- બહેનોને અયોધ્યા ફ્રીમાં લઇ જવામાં આવશે
- બહેનોને રામલલાના દર્શન કરાવવામાં આવશે
- ઉધનામાં હલ્દી કુમ-કુમ કાર્યક્રમમાં જાહેરાત કરી
આજે રવિવારે સુરતના ઉધનામાં હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજાયો હતો. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે બહેનોને સાથે રાખીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.
સુરતના ઉધનામાં હલ્દી કુમકુમ કાર્યક્રમ
સુરતના ઉધનામાં યોજાયેલ હલ્દી કુમકુમ કાર્યક્રમમાં મહિલા મંડળ દ્વારા યુથ ફોર ગુજરાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતાં. સુરતમાં મહિલાઓએ તેમના પતિની લાંબી ઉંમર માટે હલ્દી કુમકુમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની મોટી જાહેરાત
આ કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે એક મોટી જાહેરાત કરી છે. પ્રદેશ અધ્યક્ષે સી. આર. પાટીલે આ કાર્યક્રમમાં મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે, બહેનોને ફ્રીમાં અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા માટે લઈ જવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોર્પોરેટર અને ઉધનાના ધારાસભ્યોને અયોધ્યામાં મળવા કહ્યું હતું અને બહેનોને ભગવાન રામલલાના દર્શન કરાવવામાં આવશે.
8 શહેરોથી મળશે અયોધ્યા માટે ડાયરેક્ટ ફ્લાઇટ
રામમંદિરના ઉદ્ઘાટન બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે દેશભર માંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. અયોધ્યા પહોંચવા માટે એર કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે. અયોધ્યામાં યાત્રાળુઓના આગમનની સુવિધા માટે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય 1 ફેબ્રુઆરી 2024થી 8 નવા ફ્લાઈટ રૂટ શરૂ કરવા માટે તૈયાર છે. નવા ફ્લાઈટ રૂટ અયોધ્યાને દિલ્હી, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, પટના, દરભંગા, મુંબઈ અને બેંગલુરુ સાથે જોડશે.
રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનની પણ કરાઈ વ્યવસ્થા
હાલમાં અયોધ્યા માટે ભારતીય રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતથી અયોધ્યા જતા શ્રદ્ધાળુઓ IRCTC અથવા બસ માટેનું ગ્રૂપ બુકિંગ કરાવી શકશે. મુસાફરોની સંખ્યા વધશે તો જીએસઆરટીસી દ્વારા પણ બસ દોડાવા અંગે વિચારણા ચાલી રહી છે.
અયોધ્યાના યાત્રિકોને મળશે સબસિડી
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું કે, અયોધ્યા જતા યાત્રિકોને સબસીડી આપવામાં આવશે. જેના માટે ટૂંક સમયમાં સરકાર નિર્ણય કરશે. આ સાથે જ તેમણે કહ્યું કે, સૌ લોકોમાં રામચંદ્રનો દર્શન કરવાનો ઉત્સાહ છે. તે માટે સરકાર વિવિધ એક પછી એક વ્યવસ્થા કરશે.
અહીં ભોજનની પણ છે ખાસ વ્યવસ્થા
શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય કાર્યક્રમ માટે અયોધ્યામાં સીતા રસોઇ ચલાવવામાં આવી રહી છે. ભગવાન શ્રી રામના દર્શન માટે આવતા ભક્તોને સીતા રસોઈમાં પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. તેમજ અયોધ્યામાં સીતા રસોઇ રામમંદિરના ભક્તોને ભોજન કરાવી રહી છે. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે.


