ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે શનિવારનો દિવસ શાનદાર રહ્યો છે. મેન્સ ટીમે શ્રીલંકાને ઇનિંગ્સથી હરાવીને ટૂરની વિજયી શરૂઆત કરી છે. બીજી તરફ વિમેન્સ ટીમે ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમે વિમેન્સ એશિઝની તમામ મેચોમાં ધમાકેદાર વિજય હાંસલ કરવા ઉપરાંત એશિઝના ઇતિહાસમાં ઇંગ્લેન્ડને પ્રથમ વખત એકતરફી અંદાજમાં હરાવ્યું હતું.
મેલબોર્ન ખાતે પિંક બોલથી રમાયેલી એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 122 રનથી પરાજય આપ્યો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાએ વિમેન્સ એશિઝની ટી20, વન-ડે તથા ટેસ્ટની તમામ શ્રેણીમાં ક્લીનસ્વીપ કરી છે. એનાબેલ સધરલેન્ડને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
વિમેન્સ એશિઝ 2025માં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને મલ્ટી ફોર્મેટ સિરીઝમાં 16-0થી સૂપડાં સાફ કર્યા હતા. કુલ સાત મુકાબલા રમાયા હતા. વિમેન્સ એશિઝમાં વન-ડે અને ટી20 શ્રેણીમાં પ્રત્યેક મેચના બે પોઇન્ટ હોય છે તથા ટેસ્ટ માટે ચાર પોઇન્ટ હોય છે. આ હિસાબે ઓસ્ટ્રેલિયાએ તમામ મેચો જીતીને 16 પોઇન્ટ પોતાના નામે કરી લીધા હતા. આ પહેલાં એશિઝ શ્રેણીમાં ક્યારેય ક્લીનસ્વીપ જોવા મળી નહોતી.


