મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડનું દૃશ્ય કોઇ નર્સરી સ્કૂલના વાર્ષિક સમારંભ જેવું જણાતું હતું કારણ કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સના સંતાનોએ નાતાલના પર્વ પ્રસંગે અહી ખુબ મસ્તી કરી હતી. ભારત સામેની મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ પોતાના પરિવાર સાથે તહેવારની ભરપૂર મજા માણી હતી.
આ પ્રસંગે ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સના પત્ની બેકી અને મિચ માર્શની પત્ની ગ્રેટા હાજર રહી હતી અને તેમણે પોતાના સંતાનો સાથે હળવી પળોનો આનંદ માણ્યો હતો. સ્ટીવ સ્મિથ સાથે તેના પિતા પીટર પણ હતા જ્યારે ટીમના મુખ્ય કોચ એન્ડ્ર્યૂ મેકડોનાલ્ડના કિશોર વયના પુત્રને ટ્રેવિસ હેડ સાથે નેટ પર થ્રોડાઉન કરતો જોવા મળ્યો હતો. ભારત સામેની ચોથી ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવા માટે તૈયાર સેમ કોન્સ્ટાસનો પરિવાર પહેલીવાર પોતાના પુત્રને બેગી ગ્રીન પહેરતો જોવા માટે સિડનીથી મેલબોર્ન આવ્યો છે. ગ્રાઉન્ડ પર બાળકો ઉછળકૂદ કરી રહ્યા હતા અને તેમના માવતર તેની ભરપૂર મજા માણી રહ્યા હતા કારણ કે ક્રિકેટમાં વ્યસ્ત રહેવાને કારણે તેમને આ પ્રકારની તકો જવલ્લેજ મળતી હોય છે.


