ભારત અને ઓસ્ટ્રેલિયાની સાથે સાથે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે પણ 26 ડિસેમ્બરથી ટેસ્ટ મેચ શરૂ થવા જઈ રહી છે. ત્યારે ટીમ ઈન્ડિયા પોતાની મેચ સિવાય પાકિસ્તાન સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ પર પણ નજર રાખશે. ભારત પાકિસ્તાન ટીમની જીત માટે પ્રાથના કરશે. કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતનો વિજય જરૂરી બની ગયો છે.
ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે લાંબા સમયથી દુશ્મનાવટ ચાલી રહી છે. બંને ટીમના ચાહકો એકબીજાને કોઈ પણ રીતે જીતતા જોઈ શકતા નથી. પરંતુ હાલમાં ભારતીય પ્રશંસકો અને ટીમ ઈન્ડિયાની મોટી મજબૂરી છે. તેથી તેઓએ પાકિસ્તાનની જીત માટે પ્રાર્થના કરવી પડશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે આ મજબૂરી છે. WTCની ફાઈનલ સુધીનો રસ્તો હાલ ભારત માટે ખૂબ જ મુશ્કેલ લાગી રહયો છે. પરંતુ જો પાકિસ્તાનની ટીમ આગામી બે ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને હરાવશે તો આ રસ્તો સરળ બની જશે.
જો ભારતીય ટીમ સીધી WTC ફાઈનલ માટે ક્વોલિફાય કરવા માંગે છે તો તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બાકીની બંને ટેસ્ટ મેચો જીતવી પડશે. પરંતુ આ બંને મેચ જીતવી આસાન નહીં હોય. જો ટીમ ઈન્ડિયા એક પણ મેચ હારે છે અથવા ડ્રો થાય છે તો તેના માટે ફાઈનલ રમવી મુશ્કેલ બની જશે. તેથી પાકિસ્તાનની મદદની જરૂર છે. વાસ્તવમાં 63.33 ટકા પોઈન્ટ સાથે સાઉથ આફ્રિકાની ટીમ રેસમાં આગળ છે. હવે પાકિસ્તાન સામે સાઉથ આફ્રિકાની 2 ટેસ્ટ મેચ છે. આમાં જો તે એક પણ મેચ જીતી જાય તો તેની ફાઈનલની ટિકિટ કન્ફર્મ થઈ જશે. હવે આ પરિસ્થિતિમાં ભારત પર દબાણ રહેશે. કારણ કે તેની પાસે માત્ર 2 મેચ બાકી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા પાસે હજુ 4 મેચ બાકી છે. જો પાકિસ્તાનની ટીમ સાઉથ આફ્રિકાને 2-0થી હરાવશે તો ટીમ ઈન્ડિયાની ફાઈનલ રમવાની શક્યતા વધી જશે. અને એટલા માટે ભારતની ટીમે પાકિસ્તાનની જીત માટે પ્રાથના કરવા મજબૂર બની છે.
જો ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-1 નો સ્કોર કરી લે છે. તો પણ પાકિસ્તાનની ટીમે સાઉથ આફ્રિકાને ઓછામાં ઓછું 1-0થી હરાવવું જોઈએ. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ટીમે શ્રીલંકાને 1-0થી હરાવ્યું હતું. જો ટીમ ઈન્ડિયા સિરીઝ 2-2 થી ડ્રો કરે છે તો તેના ટકાવારી પોઈન્ટ 55.26 થઈ જશે. આ પરિસ્થિતિમાં ભારત માટે ફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાન ટીમ માટે સાઉથ આફ્રિકા સામેની શ્રેણી 2-0 થી જીતવી જરૂરી રહેશે. જો ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી 1-1 થી ડ્રોમાં સમાપ્ત થાય. ત્યારબાદ ભારતના 53.51 ટકા પોઈન્ટ્સ હશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનને સાઉથ આફ્રિકા સામેની બંને મેચ જીતવી જરૂરી છે. પરંતુ આ પૂરતું નથી. ત્યારબાદ શ્રીલંકા પાસેથી પણ મદદ લેવી પડશે. શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવશે અથવા શ્રેણી 0-0થી ડ્રો કરશે તેવી અપેક્ષા રાખવી પડશે. જો ભારતીય ટીમ સિરીઝ હારી જશે તો તે લગભગ બહાર થઈ જશે. તો પછી પાકિસ્તાનની 2-0થી જીત પણ મદદ કરશે નહીં.


