- 7 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
- મેચ પહેલા નવીન ઉલ હકે ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રશ્નો પૂછ્યા
- ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનનો બહિષ્કાર કરશે?
અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડકપ 2023માં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. અફઘાનિસ્તાને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સાત મેચ રમી છે, જેમાંથી તેણે 4માં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. અફઘાનિસ્તાનની ટીમ 8 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે અને સેમીફાઈનલ તરફ મજબૂત રીતે આગળ વધી રહી છે. હવે ટીમની આગામી મેચ 7 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સાથે થશે. પરંતુ આ મેચ પહેલા અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકની એક પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
નવીને ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રશ્નો પૂછ્યા
નવીન-ઉલ-હકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરતા લખ્યું, “દ્વિપક્ષીય શ્રેણીમાં રમવાનો ઇનકાર કર્યા પછી, શું ઓસ્ટ્રેલિયન ટીમ હવે વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનનો બહિષ્કાર કરશે?” નવીને આ સવાલ કાંગારુ ટીમને એટલા માટે પૂછ્યો છે કારણ કે માર્ચ 2023માં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ રમવાની હતી પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમે આ સિરીઝ રમવાનો ઇનકાર કરી દીધો હતો. તે સમયે અફઘાનિસ્તાન તાલિબાન દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. જે બાદ નવીને હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પર નિશાન સાધતા સવાલો ઉભા કર્યા છે. દ્વિપક્ષીય શ્રેણી રમવાની ના પાડ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પ્રત્યે ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. નવીને પોતે ઓસ્ટ્રેલિયામાં રમાતી ‘બિગ બેસ લીગ’માં ભાગ લેવાની ના પાડી દીધી હતી.
આ મેચ બંને ટીમો માટે મહત્વની રહેશે
વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે 7 નવેમ્બરે મેચ રમાશે. સેમિફાઇનલની દૃષ્ટિએ બંને ટીમો માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો ઓસ્ટ્રેલિયન ટીમ આ મેચ જીતી જશે તો તે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લેશે. આ સિવાય જો અફઘાનિસ્તાનની ટીમ આ મેચ જીતી જશે તો તેનો સેમિફાઈનલમાં જવાનો રસ્તો થોડો આસાન થઈ જશે. જોકે, અફઘાન ટીમ માટે ઓસ્ટ્રેલિયાને હરાવવાનું એટલું સરળ નહીં હોય.