- બંને ટીમો પોઇન્ટ ટેબલમાં સ્થિતિ સુધારવા માટે રમશે, મુંબઇ ફેવરિટ રહેશે
- હાર્દિક પંડયા મુંબઇના પ્રદર્શનના કારણે ચોમેરથી ટીકાઓનો સામનો કરી રહ્યો છે
- મુંબઇ માટે ઓપનર રોહિત શર્માનું ફોર્મમાં પરત ફરવું ટીમ માટે રાહતની બાબત છે
પંજાબ કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ નીચલા હાફમાં છે અને બંને ટીમો વચ્ચે ગુરુવારે મુકાબલો થશે ત્યારે બંને વિજયની ફેર્મ્યુલા શોધવા માટેના તમામ પ્રયાસ કરશે. બંને ટીમોનું અભિયાન પાટા ઉપરથી ઊતરી ગયું છે અને છ-છ મેચ બાદ બંને ટીમના સમાન ચાર પોઇન્ટ છે. પંજાબની ટીમ 0.218 નેટ રનરેટ સાથે સાતમા તથા મુંબઇ ઇન્ડિયન્સની ટીમ માઇનલ 0.234 સાથે આઠમા ક્રમે છે. પંજાબ અને મુંબઇએ ચાર-ચાર મેચ ગુમાવી છે અને બંનેએ છેલ્લી મેચ પણ ગુમાવી હતી. સુકાની હાર્દિક પંડયા મુંબઇના પ્રદર્શનના કારણે ચોમેરથી ટીકાઓનો સામનો કરી રહ્યો છે.
મુંબઇ માટે ઓપનર રોહિત શર્માનું ફોર્મમાં પરત ફરવું ટીમ માટે રાહતની બાબત છે પરંતુ તેને સામે છેડે અન્ય બેટ્સમેનોનો સાથ મળી રહ્યો નથી. પેસ બોલર જસપ્રીત બુમરાહ તેના બેસ્ટ ફોર્મમાં છે. રોહિતના સાથી ખેલાડી ઇશાન કિશન પાસેથી મોટી ઇનિંગની આશા રાખવામાં આવશે. મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર કેમરુન ગ્રીન તથા ટિમ ડેવિડે મોટો સ્કોર નોંધાવીને ટીમના અભિયાનને પાટા ઉપર ફરીથી ચઢાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરવી પડશે. પંજાબ માટે શિખર ધવનનું નહીં રમવું તે મોટા ફટકા સમાન છે. તે ખભાની ઈજાના કારણે લગભગ 10 દિવસ ક્રિકેટથી દૂર રહેશે. ટીમના ડોમેસ્ટિક ક્રિકેટર્સ શશાંકસિંહ તથા આશુતોષ શર્માએ સારો દેખાવ કર્યો છે પરંતુ તેઓ નીચલા ક્રમે બેટિંગ કરે છે. બંનેએ ઘણી વખત ટોચના ક્રમની નિષ્ફ્ળતાના ઢાંકી દીધી છે. પ્રભસિમરનનું ફોર્મ પણ ચિંતાજનક બન્યું છે. તે છ મેચમાં 19.83ની એવરેજથી 119 રન બનાવી શક્યો છે. ભારતીય વિકેટકીપર જિતેશ શર્મા પણ વિશેષ પ્રદર્શન કરી શક્યો નથી. તેણે છ મેચમાં 17 .66ની એવરેજથી 106 રન બનાવ્યા છે. ઓલરાઉન્ડર સેમ કરન પાસેથી મેચવિનિંગ પ્રદર્શનની આશા રાખવામાં આવશે. અર્શદીપસિંહ (નવ વિકેટ)) અને હર્ષલ પટેલ (સાત વિકેટ) બેટ્સમેનોનો આસાન શિકાર બની રહ્યા છે.


