સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી જૂન મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ફાઇનલ યોજાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈને સાઉથ આફ્રિકા બોર્ડ દ્વારા ભારતમાં ઇન્ડિયન પ્રીમીયર લીગમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને પાછા ફરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે 26 મે સુધી જ તેઓ IPLમાં ભાગ લઈ શકશે. પરંતુ આ જાહેરાત કર્યાના થોડા જ સમયમાં સાઉથ આફ્રિકા બોર્ડનો IPL 2025ને લઈને યુ-ટર્ન જોવા મળ્યો. હવે ક્રિકેટ સાઉથ આફ્રિકા બોર્ડ કહે છે કે ખેલાડીઓને ફાઇનલ સુધી IPLમાં રમવાની મંજૂરી આપવામાં આવી છે. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડના બદલાયેલા આ નિર્ણય પાછળ BCCI કે પછી ખેલાડીઓનું દબાણ હશે તેને લઈને ક્રિકેટ જગતમાં ચર્ચા થઈ રહી છે.
લંડનના લોર્ડ્સ ખાતે રમાશે WTC ફાઇનલ
IPL 2025 બાદ ખેલાડીઓ 11 જૂનથી લંડનના લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી WTC ફાઇનલ માટે 3 જૂનથી તાલીમ શરૂ કરશે તેમ સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી. દેશમાં અત્યારે યુદ્ધ વિરામ બાદ સ્થિતિ સામાન્ય બનતા ઈન્ડિયન પ્રીમિયર લીગની બાકીની મેચો રમાશે તેવો બીસીસીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. બીસીસીઆઈ દ્વારા 12મેના રોજ માહિતી આપવામાં આવી હતી કે સ્થિતિ સામાન્ય બનતા 17મેના રોજથી આઈપીએલ ફરી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનાના આરંભમાં યુદ્ધ સ્થિતિનો માહોલ હતો. પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલો થતા સુરક્ષાકારણોસર આઈપીએલની મેચ સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાન ઘૂંટણિયે આવ્યું હતું અને યુદ્ધ વિરામનો આલાપ કરવા લાગ્યું. હવે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામને પગલે સ્થિતિ સામાન્ય થતા હવે IPL 2025 પ્લેઓફ 29 મે થી 3 જૂન સુધી રમાશે. દ
ખેલાડીઓનો વ્યક્તિગત નિર્ણય
CSA ના રાષ્ટ્રીય ટીમ અને હાઇ પર્ફોર્મન્સ ડિરેક્ટર એનોક એનક્વેએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, “પાછા ફરવું, રમવું કે ચાલુ રાખવું તે સ્પષ્ટપણે વ્યક્તિગત નિર્ણય છે, પરંતુ એક વાત અમે સ્પષ્ટ કરી દીધી છે, અને અમે IPL અને BCCI સાથે આને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છીએ, તે એ છે કે અમે WTC તૈયારીઓના સંદર્ભમાં અમારી મૂળ યોજનાને વળગી રહીશું. ટેસ્ટ ખેલાડીઓની પરત ફરવાની છેલ્લી તારીખ 26 મે છે. મૂળ યોજનામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, કારણ કે નંબર 1 પ્રાથમિકતા WTC ફાઇનલ છે.”
સાઉથ આફ્રિકાના અનેક ખેલાડીઓ આઈપીએલનો હિસ્સો
જોકે, એક અહેવાલમાં જણાવાયું છે કે એન્કવે તેમના નિવેદનથી પાછળ હટી ગયા અને કહ્યું કે પરત ફરવાની તારીખ બદલી દેવામાં આવી છે. એન્ક્વેએ જણાવ્યું હતું કે સીએસએ, બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે એક્ઝિક્યુટિવ અને બોર્ડ સ્તરે ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું, “ટીમ હવે 3 જૂનથી રમત માટે તાલીમ શરૂ કરશે. આ બાબત ઉપર મારી સાથે ચર્ચા થઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના અનેક ખેલાડીઓ આઈપીએલનો ભાગ હોવાથી તેમના માટે આ સારા સમાચાર કહી શકાય. 8 ખેલાડીઓ એવા છે જેમની WTC ફાઇનલ્સ માટે પસંદગી કરવામાં આવી છે. આમાં કાગીસો રબાડા (ગુજરાત ટાઇટન્સ), લુંગી ન્ગીડી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર), ટ્રિસ્ટન સ્ટબ્સ (દિલ્હી કેપિટલ્સ), એડન માર્કરામ (લખનૌ સુપર જાયન્ટ્સ), રાયન રિકેલ્ટન (મુંબઈ ઇન્ડિયન્સ), કોર્બિન બોશ (MI), માર્કો જેન્સન (પંજાબ કિંગ્સ) અને વિઆન મુલ્ડર (સનરાઇઝર્સ હૈદરાબાદ)નો સમાવેશ થાય છે.


