રાજકોટ સહિત રાજયના ૧૭ સંચાલકો સામે કાર્યવાહી : ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તંત્રની તવાઇ
રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ ખેલાયો હતો. જેમાં ફાયર એનઓસી કે અન્ય કોઇ પરવાનગી લીધા વગર જ ટીઆરપી ગેમ ઝોન ધમધમી રહ્યું હતું અને આ દુર્ઘટના બની છે તેવું હાઇકોર્ટના ધ્યાને આવ્યું હતું. જે બાદ હાઇકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી હતી અને રાજયમાં ચાલતા તમામ ગેમઝોન બંધ કરવા માટે અને ફાયર એનઓસી વગરના ગેમઝોનના સંચાલકો સામે ગુનો નોંધવાના આદેશ આપતા રાજકોટમાં ફાયર એનઓસી વગર ચાલતા ૮ ગેમઝોનના સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ગુજરાત હાઇકોર્ટે તમામ ગેમઝોન બંધ કરી કાર્યવાહી કરવાના આદેશ આપતાની સાથે જ રાજકોટ સહિત રાજયનું તંત્ર જાગ્યું હતું અને રાજયમાં ૧૭ જેટલા ગેમ સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં આઠ સંચાલકો, અમદાવાદમાં ચાર અને સુરતમાં પાંચ સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તંત્રને અંધારામાં રાખી અથવા ખિસ્સામાં રાખી ગેમઝોનના સંચાલકો માત્ર ફાયર એનઓસીના નાટકો કરી લોકોની જીંદગી સાથે રમત રમતા હોવાનું ગંભીર કૃત્ય હાઇકોર્ટના ધ્યાને આવ્યું હતું અને તેમાં તંત્રની પણ મીલીભગત હોવાની ગંભીર નોંધ હાઇકોર્ટે લીધી હતી અને રાજકોટ મહાનગરપાલિકા સહિત રાજય સરકારને પણ ઉધળી લીધી હતી અને નિયમો ઘડવા તેમજ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ફાયર એનઓસી નહી લેનાર ગેમઝોનના સંચાલકો પર તવાઇ બોલાવવામાં આવી છે.


