રસોઇના ધૂમાડા, એસીના કમ્પ્રેશરનો અવાજ અને ગ્રાહકોની અવર-જવરથી શાંત વિસ્તારમાં ખલેલની ફરિયાદ
શહેરના રહેણાંક વિસ્તારની જગ્યાનો કોમર્શિયલ જગ્યા તરીકે ઉપયોગ કરાતા આસપાસના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો છે. ઘણાં લોકો રહેણાંક જગ્યાનો ઉપયોગ ધંધા માટે કરી ટેક્ષ ચોરી, ઓછા દરે ઇલેકટ્રીસિટી વાપરી મનપાને છેતરતા હોય છે. ઉપરાંત આસપાસના લોકોને સામાન્ય જીવન જીવવામાં પણ તકલીફ પડતી હોય છે. ત્યારે મનપા આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કેમ પીછેહઠ કરે છે તે સવાલ લોકોને મુંઝવતો હોય છે.
શહેરના જંક્શન પ્લોટમાં રહેણાંક જગ્યાનો ફૂડ તરીકે ઉપયોગ કરાતા આસપાસના લોકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે. રહેણાંક જમીન પર ગેરકાયદે ધમધમતા રાજુ ફૂડ કોર્ટ(રાજુ ઢોસા)ને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહેવાસીઓએ ફૂડ કોર્ટના માલિકને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઇ જવાબ આપ્યો નથી. અને ફૂડ કોર્ટના રસોઇ ઘરમાંથી નીકળતા ધૂમાડા અને એ.સી.માંથી નીકળતી ગરમ હવા તથા કમ્પ્રેસરના અવાજને કારણે રહેવાસીઓ ત્રસ્ત થઇ રહ્યાં છે. સ્થાનિકોએ કોર્પોરેશનમાં રજૂઆત કરવા કહ્યું તો ફૂડ કોર્ટના માલિકોએ તોછડાઇથી જવાબ આપ્યો હતો. સ્થાનિકોએ કંટાળીને અંતે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે. સ્થાનિકોએ કહ્યું છે કે અમે કોર્પોરેશન પાસેથી હંગાણી ધોરણે મદદની આશા રાખીએ છીએ.