- માધવપુરમાં ભક્તોનો સાગર
- સમુદ્રમાં સ્નાનનો છે અનેરો મહિમા
- માધવરાયજીનું છે પૌરાણિક મંદિર
આજે ભાઈબીજના દિવસે પોરબંદરના માધવપુરમાં શ્રધ્ધાળુઓનો સાગર ઉમટી પડયો હતો. માધવરાયજીના દર્શન કરવાની સાથે સમુદ્રમાં સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતુ સ્થાનિકો ઉપરાંત પ્રવાસીઓ પણ આજે તહેવાર હોઈ દરિયાકિનારે અને માધવરાયજીના મંદિરમાં દર્શનાર્થે ઉમટી પડયા હતા.
મહત્વનું છે કે દીપોત્સવી પર્વનો એક મહત્વનો દિવસ એટલે કે ભાઈબીજનો તહેવાર. આ તહેવારની આજે પોરબંદરના માધવપુર ખાતે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ભાવિકો પોરબંદરના માધવપુર ખાતે ઉમટી પડ્યા હતા. મહત્વનુ છે કે આ માધવપુરમાં ભગવાન માધવરાયજી બિરાજે છે. આજે ભાઈબીજના દિવસે માધવપુર જાણે કે મથુરા બની ગયુ હતું. માધવરાયજીના દર્શન કરીને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની સાથે સ્થાનિકોએ પણ સમુદ્રમાં સ્નાન કરી આજના પાવન પર્વે પોતાના માટે પુણ્યનું ભાથું બાંધ્યું હતું. એવું કહેવામાં આવે છે કે ભાઈબીજના દિવસે માધવપુરના દરિયાનું સ્નાન અતિલાભકારી સિદ્ધ થતું હોય છે. તેથી જ ઘણાં લોકોએ શ્રદ્ધાપૂર્વક આ કર્મ કર્યું હતું.
માધવપુરમાં આજે ભાઈબીજના દિવસે સમુદ્ર સ્નાન કરવાનું ખાસ મહત્વ છે. આજે ભાઈબીજના દિવસે માધવપુરના દરિયામાં યમુના મહારાણી બિરાજતા હોવાની એક ધાર્મિક માન્યતા પણ રહેલી છે. આથી આ દિવસે સમુદ્રમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થતું હોવાની એક લોકમાન્યતા છે. જેથી દર વર્ષે આજના દિવસે ગુજરાત જ નહીં પરંતુ આસપાસના રાજ્યોમાંથી પણ દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો અહીં માધવરાયજીના દર્શન કરવા અને સમુદ્રમાં સ્નાનવિધિ કરવા માટે આવતા હોય છે. તેથી જ આજે પણ મોટી સંખ્યામાં માધવપુરજીના ભક્તો પોતાના માધવને રીઝવવા માટે આવી પહોંચ્યા હતા. જેના બાદ તેમણે પણ લોકમાન્યતા અનુસાર દર્શન આદિ અને સ્નાનાદિ વિધિઓ કરી હતી.
મહત્વનું છે કે માધવપુરમાં માધવરાયજીનું પૌરાણિક મંદિર છે. અહીં ચૈત્ર માસમાં ભગવાનનો લગ્ન ઉત્સવ પણ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવે છે તો ભાઈબીજના દિવસે અહીં સમુદ્ર સ્નાનનું પણ અનેરું મહત્વ રહેલું છે. આમ આજના દિવસે ગુજરાતના ખૂણે ખૂણેથી માધવરાયજીના ભક્તોએ માધવપુર પધારીને તેમના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી.


