– એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૨૨-૨૩માં નિકાસ ૧૦.૨૫ ટકા ઘટીને ૩૨.૩ લાખ ટન થઈ
Updated: Oct 11th, 2023
અમદાવાદ : નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળામાં ભારતનું ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન ૧૪.૭ ટકા વધીને ૬.૯૬૫ કરોડ ટન થયું છે તેમ સ્ટીલમિન્ટ ઇન્ડિયાએ એક રિપોર્ટમાં જણાવ્યું હતુ.
ગત વર્ષે સમાન સમયગાળામાં સ્ટીલનું ઉત્પાદન ૬.૧૦૬ કરોડ ટન હતું. માર્કેટ રિસર્ચ કંપનીએ જણાવ્યું કે ઉત્પાદનમાં વધારો મુખ્યત્વે મોટી ભારતીય સ્ટીલ કંપનીઓની ક્ષમતામાં વધારો તેમજ ક્ષમતાના વધુ સારા ઉપયોગને કારણે થયો છે.
સ્ટીલમિન્ટના જણાવ્યા અનુસાર આ પરિબળો ચાલુ નાણાંકીય વર્ષના બીજા ભાગમાં પણ ઉત્પાદન વૃદ્ધિને સમર્થન આપવાનું ચાલુ રાખશે. ફિનિશ્ડ સ્ટીલનો સ્થાનિક વપરાશ પણ ૧૪.૭૭ ટકા વધીને ૬.૩૯૯ કરોડ ટન થયો છે, જે વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૫.૫૭૫ કરોડ ટન હતો.
આ દરમિયાન દેશની નિકાસ એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૨૨-૨૩માં ૩૬ લાખ ટનથી ૧૦.૨૫ ટકા ઘટીને ૩૨.૩ લાખ ટન થઈ છે. વાર્ષિક ધોરણે નિકાસ ૨૫.૬ લાખ ટનથી ૧૩.૩૩ ટકા વધીને ૨૯ લાખ ટન થઈ છે. ટોચની છ કંપનીઓ ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, એએમએનએસ ઇન્ડિયા, સેલ અને આરઆઇએનએલનું સામૂહિક ઉત્પાદન વાર્ષિક ૩.૮૩ કરોડ ટનથી વધીને ૪.૧૨ કરોડ ટન રહ્યંય છે.