– પ્રથમ બિટકોઈન ઈટીએફ શરૂ થવાનો માર્ગ લગભગ મોકળો
Updated: Oct 15th, 2023
મુંબઈ : ઇઝરાયલ તથા હમાસ વચ્ચેની લડાઈ લંબાઈ જતા અને અમેરિકામાં ફુગાવો અપેક્ષા કરતા ઊંચો આવતા ક્રિપ્ટોકરન્સીઝ દબાણ હેઠળ આવી ગઈ છે. યુદ્ધને કારણે વિતેલા સપ્તાહમાં ક્રિપ્ટોસના ખેલાડીઓના માનસ નબળું રહ્યું હતું અને મુખ્ય ક્રિપ્ટોસમાં વેચવાલી જોવા મળી હતી. બીજી બાજુ પ્રથમ બિટકોઈન એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફ) શરૂ થવા માટેનો માર્ગ મોકળો થયો છે.
સપ્તાહના અંતે ક્રિપ્ટોસની વૈશ્વિક માર્કેટ કેપ પણ ઘટી ૧.૧૦ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. મુખ્ય ક્રિપ્ટોસ બિટકોઈન ૨૭૦૦૦ ડોલરની અંદર જ્યારે એથરમ ૧૬૦૦ ડોલરની અંદર સરકી ગઈ હતી. એથરમ તો માર્ચ ૨૦૨૩ની નીચી સપાટીએ જોવા મળ્યો હતો.
બિટકોઈન મોડી સાંજે ૨૬૮૦૦ ડોલર જ્યારે એથરમ ૧૫૪૦ ડોલર મુકાતો હતો.
અમેરિકામાં સપ્ટેમ્બરનો ફુગાવો અપેક્ષા કરતા સાધારણ ઊંચો આવતા અને ઈઝરાયલ તથા હમસ વચ્ચેની લડાઈનો અંત ક્યારે આવશે તેના કોઈ સંકેત નહીં મળતા ખેલાડીઓ ક્રિપ્ટોસમાં વેચાણ કરી સેફ હેવન એસેટસ તરફ વળી ગયાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
ખેલાડીઓ સાવચેતીભર્યુ વલણ ધરાવી રહ્યા છે. દરમિયાન ક્રિપ્ટો એસેટસના આંતરરાષ્ટ્રીય સ્તરે નિયમન માટે જી૨૦ના નાણાં પ્રધાનો તથા કેન્દ્રીય બેન્કના ગવર્નરોએ ક્રિપ્ટો એસેટ પરના જી૨૦ રોડમેપનો સ્વીકાર કર્યાનું જાહેર કરાયું હતું. જી૨૦ની આ પહેલને ક્રિપ્ટો ઉદ્યોગ દ્વારા આવકારવામાં આવી છે.
દરમિયાન અમેરિકામાં બિટકોઈન ઈટીએફ લોન્ચ કરવાનો માર્ગ મોકળો થયો છે. ગ્રેસ્કેલને બિટકોઈન ઈટીએફ શરૂ કરવા સામે સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશને કરેલી મનાઈને અમેરિકાની કોર્ટે ફગાવી દીધી છે અને કમિશન કોર્ટના નિર્ણય સામે અપીલમાં નહીં જાય તેવી શકયતા જણાઈ રહી છે. અપીલ માટેનો સમયગાળો પૂરો થઈ ગયો છે.