- 22 માર્ચથી IPLની 17મી સિઝનનો પ્રારંભ
- IPL પહેલા ડેવોન કોનવે થયો ઈજાગ્રસ્ત
- ડેવોન કોનવેના ડાબા અંગૂઠામાં થયું ફ્રેક્ચર
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની પ્રથમ 21 મેચોના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. IPL પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સને બેવડો ઝટકો લાગ્યો છે. કિવી બેટ્સમેન ડેવોન કોનવે ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો. જ્યારે પ્રથમ મેચમાં રચિન રવિન્દ્રને ડાબા ઘૂંટણમાં દુખાવાને કારણે બીજી T20 મેચમાંથી બહાર થઈ ગયો હતો.
કોનવેના ડાબા અંગૂઠામાં ફ્રેક્ચર
ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ રહેલી મેચમાં વિકેટસ કીપિંગ કરતી વખતે ન્યુઝીલેન્ડના ખેલાડી કોનવેને ડાબા અંગૂઠામાં ઈજા થઈ હતી. મેચની બીજી ઓવર દરમિયાન જ્યારે એડમ મિલ્ને 140 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેનો બોલ કોનવેના ડાબા અંગૂઠા પર વાગ્યો હતો. આ પછી તેને મેદાન છોડવાની ફરજ પડી હતી, ફિન એલને બાકીની ઇનિંગ્સ માટે કીપિંગની જવાબદારી સંભાળી હતી.
ન્યુઝીલેન્ડ ક્રિકેટે ટ્વિટર પર કોનવે અંગે એક અપડેટ શેર કર્યું, જેમાં જણાવ્યું હતું કે, “બીજી T20 મેચમાં વિકેટ કીપિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયા બાદ ડેવોન કોનવે તેના ઈજાગ્રસ્ત ડાબા અંગૂઠાના એક્સ-રે માટે મેદાન છોડી ગયો છે. એક્સ-રેમાં જાણવા મળ્યું કે ડેવોન કોનવેના ડાબા અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે.”
ન્યુઝીલેન્ડની કારમી હાર
જો કે કોનવે બીજા દાવમાં બેટિંગ કરવા આવ્યો ન હતો અને ન્યુઝીલેન્ડને 72 રનથી ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. 174 રનનો સ્પર્ધાત્મક સ્કોર બનાવનાર ઓસ્ટ્રેલિયાએ એડમ ઝમ્પા (4/34)ના નેતૃત્વમાં શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. યજમાન ટીમ 17મી ઓવરમાં 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
22 માર્ચથી IPLની શરૂઆત
22 માર્ચથી શરૂ થઈ રહેલી IPLની 17મી સિઝન પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ માટે બેવડો ફટકો લાગ્યો છે. નોંધનીય છે કે વેલિંગ્ટનમાં રમાયેલી સિરઝની પ્રથમ મેચ બાદ કિવિ બેટ્સમેન રચિન રવિન્દ્રને ડાબા ઘૂંટણમાં દુખાવાને કારણે બીજી T20 મેચમાંથી બહાર થવું પડ્યું હતું. રવિન્દ્ર ત્રીજી ટી-20માં રમવા અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. સિરીઝની શરૂઆતની મેચમાં રવિન્દ્રએ ન્યૂઝીલેન્ડ માટે 35 બોલમાં 68 રનની ઝડપી ઇનિંગ રમી હતી. કોનવેએ વેલિંગ્ટનમાં પણ બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 46 બોલમાં 63 રનની ઝડપી ઇનિંગ રમી હતી.


