- સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં શિયાળુ વાવેતર પૂર્ણ
- ગત વર્ષ કરતા 46,345 હેક્ટરમાં વધારો
- શિયાળુ પાક માટે જરૂરી પાણી મળતા વાવેતર વધ્યું હોવાનું અનુમાન
સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળી બાદ જ રવિ પાકનું વાવેતર ખેડૂતો કરતા થઈ ગયા હતા. ધીમે ધીમે થયેલા આ વાવેતરમાં હાલની સ્થિતિએ રવિ પાકનું વાવેતર પુર્ણ થયુ છે. જિલ્લામાં 2,51,496 હેકટર જમીનમાં વિવિધ રવિ પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યુ છે. જોકે, ગત વર્ષની સરખામણી નજર કરીએ તો વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષના 2,05,151 હેકટરની સામે આ વર્ષે 2,51,496 હેકટરમાં વાવેતર થતા વાવેતરમાં 46,345 હેકટરમાં વધારો જોવા મળે છે. જિલ્લા ગ્રામ્યની સીમમાં શિયાળુ પાક માટે જરૂરી પાણી મળતા ખેડૂતોએ વાવેતર વધુ કર્યુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છેલ્લા થોડા સમયથી આધુનીક ખેતી તરફ વળી રહ્યા છે. વર્ષો પહેલા ઝાલાવાડમાં શિયાળાના સમયે જીરુંનું વિપુલ પ્રમાણમાં વાવેતર થતુ હતુ. ચોમાસામાં જેમ કપાસનું વાવેતર વધુ થાય અને જિલ્લો સમગ્ર રાજયમાં કપાસના વાવેતરમાં અગ્ર હરોળમાં રહેતો હતો તેમ શિયાળામાં પણ ઝાલાવાડમાં જીરુંનું મોટા પાયે ખેડૂતો વાવેતર કરતા હતા.
જીરૂની સાથે સાથે જિલ્લાના ખેડૂતો હવે રોકડીયા પાક ગણાતા અને જેની ઉપજના સારા પૈસા મળે છે. એવા વરીયાળીના વાવેતર તરફ પણ વળ્યા છે. બીજી તરફ ઘઉં અને ચણાનું વાવેતર ઓછુ કરતા થયા છે. ગત વર્ષે ઝાલાવાડમાં શિયાળુ વાવેતર તરફ નજર કરીએ તો જિલ્લામાં 2,05,151 હેકટરમાં શિયાળુ વાવેતર થયુ હતુ. જેની સામે આ વર્ષે 2,51,496 હેકટરમાં શિયાળુ વાવેતર થયુ છે. શિયાળુ વાવેતર વધવાનું મુખ્ય કારણ પાણીની ઉપલબ્ધતા માનવામાં આવે છે.
આ અંગે ખેડૂતો રજનીભાઈ પટેલ, મહાદેવભાઈ દલવાડી સહિતનાઓના જણાવાયા મુજબ ઝાલાવાડમાંથી પસાર થતી કેનાલોમાં પાણી ભરપુર હોય છે. અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળ્યુ. તેથી વાવેતર વધ્યુ છે. આ ઉપરાંત જે ખેડૂતોએ પોતાના ખેતરમાં બોર અને કુવામાં પાણીની ઉપલબ્ધતા હોય તેવા ખેડૂતોએ પણ સારૂ એવુ વાવેતર કર્યુ છે.
વરિયાળીનું વાવેતર વધીને 69,719 હેકટર પર પહોંચ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના 3 વર્ષના વાવેતરના આંકડાઓ પર નજર કરીએ તો સરેરાશ વાવેતરમાં ઘઉં, ચણા, રાઈના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષ કરતા જીરૂ અને વરિયાળીનું વાવેતર વધ્યું છે. ગત વર્ષ 2022માં વરિયાળીનું જિલ્લામાં 16,338 હેકટરમાં વાવેતર થયું હતું. જે વર્ષ 2023માં વધીને 27,885 હેકટર થયું હતું. જયારે આ વર્ષે 2024માં વરિયાળીનું 69,719 હેકટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યુ છે.
ઘઉં અને ચણાના વાવેતરમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો
ઝાલાવાડના ખેડૂતો જીરું અને વરિયાળી જેવા સારી ઉપજ આપતા પાકો તરફ વળ્યા છે. જેને લીધે ઘઉં અને ચણાના પાકોમાં દર વર્ષે ઘટાડો થતો આવે છે. વર્ષ 2022માં ઘઉંના 46,769 હેકટર વાવેતર સામે વર્ષ 2023માં 46,517 હેકટર વાવેતર થયુ હતુ. જયારે વર્ષ 2024માં તો એથી પણ ઘટીને 34,480 હેકટરમાં જ ખેડૂતોએ ઘઉંનું વાવેતર પસંદ કર્યુ છે. બીજી તરફ ચણામાં પણ વર્ષ 2022ના 77,853 સામે વર્ષ 2023માં 39,648 અને વર્ષ 2024માં 25,800 હેકટર સુધી વાવેતર ઘટયું છે.


