– ચીનના વિકલ્પ તરીકે ભારત રોકાણકારોની પ્રથમ પસંદગી
Updated: Nov 8th, 2023
મુંબઈ : ભારત કેન્દ્રીત એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં વર્તમાન વર્ષમાં નેટ ઈન્ફલોઝ ૨૦૧૪ની સપાટીને પાર કરી ગયાનું જોવા મળી રહ્યું છે. ભારત કેન્દ્રીત ઈટીએફસમાં વર્તમાન વર્ષના ઓકટોબર સુધીમાં ૨.૪૦ અબજ ડોલરનો નેટ ઈન્ફલોઝ જોવા મળ્યો છે, જે ૨૦૧૪ના ઓકટોબર સુધીમાં જોવા મળેલા બે અબજ ડોલર કરતા નોંધપાત્ર વધુ છે.
દેશની મજબૂત આર્થિક સ્થિતિ ઉપરાંત ચીનના વિકલ્પ તરીકે ભારત પર ઢોળાઈ રહેલી પસંદગીને કારણે ભારત લક્ષી ઈટીએફસમાં રોકાણકારો વધુ નાણાં ઠાલવી રહ્યા છે.ભારત હજુ વિકાસના પ્રારંભિક તબક્કામાં છે અને આગામી એકથી બે દાયકા સુધી અહીં સારી તકો રહેલી છેએમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
વર્તમાન તથા આગામી નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬ ટકાથી વધુ રહેવા વિવિધ એજન્સીઓ દ્વારા અંદાજ મુકાયા છે.
એમએસસીઆઈ ઊભરતી બજારોના સ્ટોક ઈન્ડેકસમાં ૧.૩૦ ટકા તથા અમેરિકાના બેન્ચમાર્ક ઈન્ડેકસ એસએન્ડપી ૫૦૦માં ૧૩.૫૦ ટકાની વૃદ્ધિની સામે ભારતનો એનએસઈ૫૦ વર્તમાન વર્ષમાં ૭.૨૦ ટકા વધ્યો છે.
ચીનમાં આર્થિક વિકાસની ચિંતાને લઈને રોકાણકારો તેમના ઊભરતી બજારોના પોર્ટફોલિઓમાં વૈવિધ્યતા લાવવા ઈરાદો ધરાવે છે જેનો સૌથી મોટો લાભકર્તા ભારત જણાય છે.
ચીનનો સીએસઆઈ૩૦૦ ઈન્ડેકસ વર્તમાન વર્ષમાં આજ તારીખ સુધીમાં ૬.૨૦ ટકા ઘટયો છે. ભારત કેન્દ્રીત ઈટીએફસ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં ૭૫.૩૦ કરોડ ડોલરની ખરીદી કરવામાં આવી હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.