- પૈસા લઈને પ્રશ્નો પૂછવા મામલે છીનવાયું મહુઆ મોઈત્રાની સાંસદ સભ્ય પદ
- મહુઆના નિષ્કાસનને સુવેન્દુ અધિકારી ગણાવ્યું કાલી માં નો પ્રકોપ
- સુવેન્દુ અધિકારી મહુઆ મોઈત્રા મામલે કરી હતી CBI તપાસની માંગ
કેશ ફોર ક્વેરી કેસમાં TMC સાંસદ મહુઆ મોઇત્રાની લોકસભાનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું છે. હવે તેના પર રાજકારણ શરૂ થઈ ગયું છે. દરમિયાન, પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ સંસદ સભ્યપદ રદ થવાને ‘માતા કાલીનો શ્રાપ’ ગણાવ્યો છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું કે મહુઆએ કહ્યું હતું કે કાલી માં માંસ ખાય છે, સિગારેટ પીવે છે અને વ્હિસ્કી પીવે છે. આ તેમનો અભિશાપ છે. તેમણે એમ પણ કહ્યું કે મહુઆએ બંગાળમાં પત્રકારોને નાલાયક કહ્યા હતા. મહુઆએ વિદેશીઓ સાથે પોતાનો સંસદનો પાસવર્ડ શેર કર્યો હતો. CBIએ આ અંગે તપાસ કરવી જોઈએ.
સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરીને લગાવ્યા આરોપ
સુવેન્દુ અધિકારીએ મહુઆ મોઇત્રાની સદસ્યતા રદ કરવા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું. વિડીયો શેર કરતા સુવેન્દુએ લખ્યું, ‘એક સામાન્ય માણસ પોતાની મર્યાદાઓ જાણે છે, ભગવાનનો ઉલ્લેખ કરતી વખતે નિંદા કરતા શબ્દોનો ઉપયોગ ન કરો. તમારી પાસે તેને નાનો બનાવવાની ક્ષમતા નથી, પરંતુ તેનો ક્રોધ તમને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે.
TMC પર કર્યા આકરા પ્રહાર
સુવેન્દુએ એમ પણ કહ્યું કે મમતા બેનર્જી મહુઆ મોઈત્રાને સમર્થન આપશે, કારણ કે તે અને TMC ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણના પક્ષમાં છે. મહુઆ ભ્રષ્ટાચારમાં સામેલ છે, એટલે જ મમતા તેમની સાથે છે.
જણાવી દઈએ કે, મહુઆ મોઇત્રા પર પૈસા લઈને સવાલ પૂછવાનો આરોપ હતો. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો. આરોપ એવો પણ હતો કે મહુઆ મોઇત્રાએ પોતાનું સંસદ લોગિન આઈડી અને પાસવર્ડ બિઝનેસમેન દર્શન હિરાનંદાની સાથે શેર કર્યા હતા, જેમણે મહુઆ વતી પ્રશ્નો પૂછ્યા હતા. લોકસભાની એથિક્સ કમિટીએ તેની તપાસમાં મહુઆને આ આરોપો માટે દોષિત ઠેરવ્યા હતા અને તેનું સભ્યપદ રદ કરવાની ભલામણ કરી હતી. સમિતિની ભલામણના આધારે તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.
મહુઆએ કાલી માં વિશે શું કહ્યું હતું?
ગત વર્ષે જુલાઈમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. આ વિવાદ પર મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે, ‘કાલી માંના ઘણા રૂપ છે. મારા માટે કાલી એટલે માંસ અને આલ્કોહોલ સ્વીકારનારી દેવી. લોકોના અલગ-અલગ મંતવ્યો છે, મને તેનાથી કોઈ વાંધો નથી.
જ્યારે મહુઆના નિવેદનનો વિરોધ વધ્યો તો TMC તેનાથી દૂર થઈ ગઈ હતી. પાર્ટીએ કહ્યું હતું કે કાલી માં પર મહુઆ મોઇત્રાની ટિપ્પણી તેમના અંગત મંતવ્યો છે. પાર્ટી તેણે સમર્થન આપતી નથી.


