ASI કાનગડ પર શંકટ વધ્યુ : ન્યાયિક તપાસ નહીં થાય તો આંદોલન કરવા મૃતકના પરિવારજનોએ આપી ચીમકી
રાજકોટ માલવિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. અશ્વિન કાનગડ આરોપીને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી નાખવા અંગે કસ્ટોડિયલ ડેથ કેસમાં હજુ બે દિવસ પહેલા જ સરન્ડર થયા છે ત્યાં કાનગડે અન્ય એક પીડીત રાજુભાઇ ખાંટને માર માર્યો હતો તેણે પણ ગઇકાલે રાત્રે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પ્રથમ કેસમા મૃત્યુ પામનાર હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઇના કેસમાં તો હત્યાનો ગુનો નોંધાયો છે ત્યારે વધુ એક પીડિત રાજુભાઇ ખાંટના મોતમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ કરવો કે કેમ? તે અંગે એફ.એસ.એલ. રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. ગઇકાલે મૃત્યુ પામનાર રાજુભાઇ ખાંટ છેલ્લા ઘણા સમયથી બીમાર જ હતા. હાલમાં પણ તેની સારવાર ચાલી રહી હતી. બીમારી સબબ મોત થયુ છે કે પછી પોલીસના મારથી મૃત્યુ થયુ છે તે એફ.એસ.એલ. રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતા અને પાડોશમાં રહેતા મિત્રને થયેલી માથાકૂટને કારણે માલવીયાનગર પોલીસ આવતા તેને સમજાવવા ગયેલા હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઇ દેવજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૪)ની માલવીયાનગરના એએસઆઈ અશ્વીનભાઇ જેઠાભાઈ કાનગડ (ઉ.વ.૩૮, રહે. વર્ધમાનનગર, ઘંટેશ્વર એસઆરપી ગુ્રપ-૧૩ પાસે)એ મારકૂટ કરી, હત્યા નિપજાવ્યાની ફરિયાદ માલવીયાનગર પોલીસમાં નોંધાઈ હતી. આ ગુનામાં એએસઆઇ કાનગડ ડીસીબીમાં હાજર થયા બાદ માલવીયાનગર પોલીસે કબજો લીધો હતો. તે બે દિવસના રિમાન્ડ પર હતાં ત્યાં મૃતક હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇના મિત્ર ખોડિયારનગર-૧૭માં રહેતાં રાજુભાઇ ભગવાનજીભાઇ સોલંકી-ખાંટ (ઉ.વ.૪૫) પણ ગત સાંજે બેભાન થઇ ગયા બાદ મોત થયુ હતુ. બનાવના દિવસે હમીરભાઇની સાથે પોલીસે રાજુભાઇને પણ મારકુટ કર્યાનો પરિવારે આક્ષેપ કરતાં મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે. બે વર્ષથી રાજુભાઇ બિમાર હતાં. મારકુટથી મોતનો રિપોર્ટ આવશે તો અગાઉના ગુનામાં આ બનાવનો પણ પોલીસ ઉમેરો કરી ડબલ મર્ડરની કલમ હેઠળ ગુનો નોંધાઇ શકે છે.
મૃતક રાજુભાઇના પુત્ર જયેશભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે મારા પિતા રાજુભાઇને તેમના કાકા બાવનજીભાઇ સરવૈયા સાથે માથાકુટ થતાં તેમણે પોલીસ બોલાવી હતી. આથી મારા પિતાએ મિત્ર હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇને સમાધાનની વાત કરાવવા બોલાવતાં પોલીસ હમીરભાઇને લઇ ગઇ હતી. પછી મારા પિતા રાજુભાઇને પણ લઇ ગઇ હતી. બીજા દિવસે તેમને છોડી મુકાયા હતાં. એ પછી તેની તબિયત સતત ખરાબ રહેતી હોઇ અમે સારવાર કરાવી હતી. હમીરભાઇની સાથે સાથે મારા પિતાને પણ મારકુટ થઇ હતી.
રાજુભાઇ ખાંટના રહસ્યમય મોતની આ ઘટનામાં એસીપી બી. જે. ચોધરી, પીઆઇ જે. આર. દેસાઇ, એએસઆઇ બકુલભાઇ વાઘેલા, રાઇટર દિપકભાઇ સહિતની ટીમે ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં તપાસ ચાલી રહી છે.
મૃતક રાજુભાઇના શરીર પર ઇજાના નિશાન
મૃતક રાજુભાઇના મૃતદેહનું પંચનામુ એસડીએમની હાજરીમાં કરવામાં આવ્યુ઼ હતું. જેમાં વાંસા, સાથળના ભાગે ચાંઠા-ચામડી ઉખડી ગયાના નિશાન હોવાનું પ્રાથમિક રીતે જણાયુ હતું. પ્રથમ દ્રષ્ટિએ તો આ નિશાન ઇજાના જ દેખાય છે. પરંતુ એફ.એસ.એલ. રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે કે ઇજાના આ નિશાન કેટલા દિવસો જૂના છે. એ.એસ.આઇ.એ જે દિવસે માર માર્યો એ દિવસના છે કે જૂના છે. કે પછી બનાવ પછીના છે.
પોલીસ કાર્યવાહી શંકાના દાયરામાં
તા.૧૬મીએ દાખલ થયેલી FIRમાં રાજુ અને તેના પુત્રને માર માર્યાનો ઉલ્લેખ જ નથી
આ સમગ્ર પ્રકરણને શરૂઆતથી જોવામાં આવે તો સૌ પ્રથમ હમીરને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તા.16 એપ્રિલે વહેલી સવારે 6 વાગ્યે એફઆઈઆર દાખલ કરવામાં આવી. આ એફઆઈઆરમાં આઇપીસી 307 અને આઇપીસી 323ની કલમો છે. આ એફએઆઇઆરમાં રાજેશ સોલંકી અને તેના પુત્ર જયેશ સોલંકીને પ્લાસ્ટિકના પાઈપથી માર્યાનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી.


