દર ૧૫ મિનિટે ગ્રાહકો રિચાર્જ ચકાસી શકશે : બિલ ભરવા માટે ૧૦ દિવસની મુદત અપાશે
સ્માર્ટ મીટરને લઇ સમગ્ર રાજયમાં ગ્રાહકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ ઉગ્ર બનતા સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર કરવા માટે વીજ કંપનીઓને સૂચના આપતા વીજ કંપનીઓ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે અને આ વિરોધ હળવો કરવા માટે તેમજ સ્માર્ટ મિટર અંગે સમજણ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને રૂપિયા 3૦૦ની ક્રેડીટ આપવામાં આવશે જેમાં દા.ત. એક હજારનું રિચાર્જના વપરાશ બાદ વધુ 3૦૦ રૂપિયા સુધી ગ્રાહક લાઇટ બીલ વાપરી શકશે અને ત્યારબાદ ૧૦ દિવસ સુધી લાઇટ બીલ ભરવાની મુદત આપવામાં આવશે. ગ્રાહકો પોતાના મોબાઇલમાં દર ૧પ મિનિટે વીજનો વપરાશ જોઇ શકશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્માર્ટ મીટર લગાવતા વધુ બિલ આવતા હોવાની ફરિયાદ ઉઠી છે તે સંદર્ભે વધુ એક વાર વીજ કંપનીના અધિકારીઓએ દાવો કર્યો છે કે જુના બિલ ના યુનિટ સ્માર્ટ મીટરમાં ઉમેરવામાં આવતા બિલ વધુ આવ્યા ની ફરિયાદ છે આ સિવાય સ્માર્ટ મીટરમાં કોઈ ફોલ્ટ નથી. આખી વીજ કંપની દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્માર્ટ મીટરના ગ્રાહક છે તો જેને ત્યાં ચેક મીટર લગાવવામાં આવશે આ બંને મીટરનો વીજ વપરાશ ની સરખામણી કરી ગ્રાહકને દર મહિને એપ્લિકેશન મારફત બિલ અપાશે અને તેને કરવા માટે અત્યારે જે પ્રથા છે જે મુજબ દસ દિવસની મહેતલ આપવામાં આવશે જો 10 દિવસમાં બિલ ભરપાઈ કરવા માં નહીં આવે તો કલેક્શન કાપી નાખવામાં આવશે.
સ્માર્ટ મીટર રદ કરવા આપની માંગણી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રોજેકટને રદ કરવો તથા દિલ્હી-પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 3૦૦ યુનિટ વીજળી મફત આપવા આજે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ દિનેશ જોશીની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જો સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલીક જાહેરાત નહી કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં શેરીઓમાં જઇને લોકોને વીજળીમાં સરકાર અને પાવર કંપનીઓની મિલીભગતથી ચાલતા ઉઘાડી લૂંટ બાબતે જાગૃત કરશે. જો વીજ કંપની દ્વારા ગ્રાહકોના વીજ જોડાણ બંધ કરવામાં આવશે તો આમ આદમી પાર્ટીના કાર્યકરો તેવા ગ્રાહકોના ઘરે જઇ સીધા વીજ જોડાણ ચાલુ કરી દેશે અને રીચાર્જ કરાવો કે બીલ ભરવાનો સાફ ઇન્કાર કરી દેવા માટે લોકોને સમજાવશે.


