સાયબર સેલ PSIની સર્વિસ રિવોલ્વરથી અચાનક ફાયરિંગ, અધિકારી અને મહિલા મિત્ર ઘવાયા
યુનિવર્સિટી રોડ પર સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં મોડીરાત્રે બની ઘટના; હથિયાર સાફ કરતી વેળાએ મિસફાયરનો દાવો, ફ્લેટ સીલ કરી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી
અગ્ર ગુજરાત,રાજકોટ
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલી રહેણાંક એપાર્ટમેન્ટમાં મોડીરાત્રે બનેલી ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી છે. સાયબર ક્રાઇમ શાખામાં ફરજ બજાવતા PSI એન.કે. પંડ્યાની સર્વિસ રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટતાં તેઓ પોતે અને તેમની સાથે હાજર મહિલા મિત્ર ઈજાગ્રસ્ત બન્યા હતા. બંનેને તરત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે આશરે 10:30 વાગ્યાના આસપાસ યુનિવર્સિટી રોડ પર જે.કે. ચોક નજીક આવેલી ‘સમન્વય સુલભ’ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. A-404માં PSI પંડ્યા હાજર હતા. આ દરમિયાન તેમની સાથે એક મહિલા મિત્ર પણ ફ્લેટમાં હાજર હતી. PSI પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરવાની પ્રક્રિયામાં હતા, ત્યારે અચાનક હથિયારમાંથી એક રાઉન્ડ ફાયર થયું હતું. આ ફાયરિંગમાં PSIને જમણા હાથના બાવડાના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે તેમની મહિલા મિત્રને ડાબા પડખાના ભાગે ગોળી વાગતાં ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાના અવાજથી આસપાસના રહીશો ચોંકી ઊઠ્યા હતા અને તાત્કાલિક ફ્લેટ તરફ દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એમ.એલ. ડામોર, પીએસઆઈ વી.જી. ડોડિયા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. થોડા જ સમયમાં ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતા ડીસીપી રાકેશ દેસાઈ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે નજીકથી દેખરેખ રાખી હતી. પોલીસે ફ્લેટને કોર્ડન કરી સીલ કરી દીધો છે અને ફોરેન્સિક ટીમની મદદથી તપાસ શરૂ કરી છે.
પોલીસના પ્રાથમિક નિવેદન મુજબ, PSI રિવોલ્વર અનલોડ કરતા હતા ત્યારે મિસફાયર થયું હોવાનું સામે આવ્યું છે અને આ અંગે જાણવા જોગ નોંધ દાખલ કરવામાં આવી છે. જોકે, સમગ્ર બનાવને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને, એક સાથે રિવોલ્વર લોડ થવી, ટ્રિગર દબાઈ જવું અને ગોળી છૂટી જવી જેવી પરિસ્થિતિને માત્ર આકસ્મિક ગણવી સરળ નથી એવી ચર્ચાઓ ચાલી રહી છે.
વધુમાં, મોડીરાત્રે PSIના ફ્લેટમાં મહિલા મિત્રની હાજરી અંગે પણ સવાલો ઊભા થયા છે, જેને લઈ પોલીસ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે. આ ઘટનામાં કોઈ બેદરકારી કે અન્ય કોઈ પરિસ્થિતિ જવાબદાર છે કે નહીં તે જાણવા માટે ફોરેન્સિક તપાસ અને સ્ટેટમેન્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હાલ બંને ઈજાગ્રસ્તોની સ્થિતિ સ્થિર હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે, પરંતુ મહિલા મિત્રને લાગેલી ઈજા ગંભીર હોવાને કારણે તબીબો દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. પોલીસે ઘટનાની સંપૂર્ણ હકીકત બહાર લાવવા માટે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.


