- રાજધાની ચેન્નાઈમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા
- તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી
- લોકોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવી રહી છે
બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાત મિચોંગ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. તેની સૌથી વધુ અસર તમિલનાડુ, ઓડિશા, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં જોવા મળી રહી છે. ભારે વરસાદ અને પૂરના કારણે સ્થિતિ ખરાબ છે. લોકો ઘરોમાં રહેવા મજબૂર છે. ઘણા સ્થળોએ પાણી ભરાઈ ગયા છે અને 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે.
તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી
મિચોંગ મંગળવારે આંધ્ર પ્રદેશમાં ટકરાય તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે મિચોંગના કારણે આ વિસ્તારોમાં આગામી 2-3 દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. એલર્ટને ધ્યાનમાં રાખીને, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને લોકોને ઘરે રહેવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. તબાહી મચાવી રહેલા ચક્રવાત મિચોંગને આ નામ શા માટે આપવામાં આવ્યું, તેનો અર્થ શું છે અને કયા દેશે આ નામ આપ્યું છે? ચાલો જાણીએ-
મિચોંગ નામ કયા દેશે આપ્યું?
તમિલનાડુ અને આંધ્રપ્રદેશ ઉપરાંત ઓડિશા પણ મિચોંગથી પ્રભાવિત થવાની સંભાવના છે, તેથી તેને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવ્યું છે. તબાહી મચાવી રહેલા આ ચક્રવાતને મિચોંગ નામ આપવામાં આવ્યું છે તેનો અર્થ છે તાકાત અને લચીલુ. આ મ્યાનમાર શબ્દ છે. વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) અનુસાર, મિચોંગ નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે અને મ્યાનમાર ભાષામાં તેને મિગ્જૌમ કહેવામાં આવે છે, જેનો અર્થ તાકાત અને લચીલુ થાય છે.
શા માટે મિચોંગ નામ આપવામાં આવ્યું?
ચક્રવાત મિચોંગ જે રીતે ત્રણ રાજ્યોમાં તબાહી મચાવી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને તેને મિચોંગ નામ આપવામાં આવ્યું છે. આ વર્ષે, મિચોંગ એ હિંદ મહાસાગરમાં સર્જાતું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં સર્જાતું ચોથું ચક્રવાત છે. IMD એ 3 ડિસેમ્બરે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાતની આગાહી કરી હતી. આ તોફાન બીજા દિવસે તમિલનાડુના દરિયાકાંઠે પહોંચવાની આગાહી કરવામાં આવી હતી અને ચક્રવાતની અસર તમિલનાડુના દરિયાકાંઠે થઈ હતી. પરિણામે ભારે વરસાદ પણ થયો હતો. જેના કારણે ચેન્નાઈના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ચક્રવાતને કેવી રીતે નામ આપવામાં આવે છે?
WMO અને યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન (ESCAP) ના સભ્ય દેશો વિશ્વભરમાં આવતા દરેક ચક્રવાત માટે નામ સૂચવે છે. 13 દેશો વાવાઝોડાને નામ આપે છે. એક વાર નામ લીધા પછી તેનું પુનરાવર્તન થઈ શકતું નથી. અમેરિકામાં તોફાનોનું નામકરણ 1953માં શરૂ થયું હતું, જ્યારે હિંદ મહાસાગરમાં વાવાઝોડાને નામ આપવાની પ્રક્રિયા વર્ષ 2004માં શરૂ થઈ હતી. આ 13 દેશો ભારત, યમન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, પાકિસ્તાન, ઈરાન, કતાર, UAE, થાઈલેન્ડ, સાઉદી અરેબિયા, ઓમાન અને માલદીવ છે. માત્ર એવા વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે જેની ઝડપ ઓછામાં ઓછી 63 કિલોમીટર પ્રતિ કલાકની હોય.


