- ચક્રવાત મિચોંગ નબળુ પડ્યુ
- આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં મચાવી ભારે તબાહી
- ચેન્નાઇમાં દિવાલ ધરાશાયી થતા 3ના મોત
ચક્રવાતી તોફાન મિચોંગ હવે નબળું પડી ગયું છે. મંગળવારે આંધ્રપ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે અથડાતા પહેલા, તેણે ચેન્નાઈ સહિત તમિલનાડુના ચાર જિલ્લામાં ભારે તબાહી મચાવી હતી, જેનું વિનાશક દ્રશ્ય હજુ પણ જોવા મળે છે. ગુરુવારે શાળા અને કોલેજો પણ બંધ રહી હતી અને શાળાઓમાં અર્ધવાર્ષિક પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હતી. ચેન્નઈના બાલાચેરી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાથી ત્રણ લોકોના મોત થયા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના મહાનિર્દેશક મૃત્યુંજન મહાપાત્રાએ કહ્યું કે દરિયાકાંઠે ટકરાયા બાદ ચક્રવાત મિચોંગ ધીમે ધીમે નબળું પડવાનું શરૂ કર્યું છે.
પ્રશાસન પીડિતોને મદદ કરવામાં વ્યસ્ત છેઃ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં પીડિતોની મદદ માટે વહીવટીતંત્ર દિવસ-રાત કામ કરી રહ્યું છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી રાહત અને બચાવ કામગીરી ચાલુ રહેશે. ચક્રવાતને કારણે થયેલા મૃત્યુ પર ઊંડો દુ:ખ વ્યક્ત કરતાં તેમણે તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
લોકસભામાં ઉઠ્યો મુદ્દો
બુધવારે લોકસભામાં શૂન્ય કલાક દરમિયાન ડીએમકેના સભ્ય ટીઆર બાલુએ ચક્રવાત મિચોંગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેના કારણે આવેલા પૂરને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી હતી.
સ્ટાલિને કેન્દ્ર પાસે માંગી સહાય
તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મિચોંગના કારણે થયેલા નુકસાન અને રાહત અને બચાવ કામગીરી માટે કેન્દ્ર પાસેથી તાત્કાલિક રૂ. 5,060 કરોડની સહાયની માંગ કરી છે. તેમજ કેન્દ્રીય ટીમ મોકલવા વિનંતી કરી હતી. 40 હજારથી વધુ લોકો કેમ્પમાં અસરગ્રસ્ત ચાર જિલ્લાઓમાં 800 સ્થળોએ હજુ પણ પાણી ભરાયા છે.


