પ્રતિવર્ષ માગસર સુદ અગિયારસના દિવસે શ્રીમદ ભાગવત ગીતા જયંતી નિમિત્તે દાહોદમાં પંકજ સોસાયટી શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરેથી કળશ યાત્રા તથા ગીતા પોથી યાત્રા સાથે શોભાયાત્રા નીકળશે તેમજ સાંજના પ્રવચન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
દાહોદમાં સોમવારે તા.1 ડિસેમ્બરે શ્રીમદ ભાગવત ગીતા જયંતી નિમિત્તે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર પંકજ સોસાયટી પાસેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં શ્રી કૃષ્ણ અને અર્જુનની વેશભૂષા સાથે કલાકારો બિરાજશે. સાથે ગીતા રથ, કળશ માથે લઈ 21 કન્યા જોડાશે તેમજ 21 કન્યા ગીતા પોથી સાથે જોડાશે. યાત્રામાં ગીતા ના સ્લોગન સાથેના બેનરો અને એન એસ એસના સ્વયંસેવકો જોડાશે. નગરપાલિકા ચોકમાં ગીતા પોથીનું પૂજન કરાશે. શોભાયાત્રા માણેકચોક, નગરપાલિકા, નેતાજી બજાર, પડાવ થઈ રામાનંદ પાર્ક ખાતે પૂર્ણાહુતિ થશે. સાંજે રેડક્રોસ ભવનમાં ગીતા ઉપાસક વેદ વ્યાસ દ્વિવેદી ગીતા સંદેશ આપશે.


