તીર્થોના દેશ કહેવાતા ભારતમાં ઉત્તરથી લઇને દક્ષિણ સુધી અને પૂર્વથી લઇને પશ્ચિમ સુધી અઢળક તીર્થસ્થાનો આવેલાં છે અને આ તમામ તીર્થસ્થાનોનો પણ અલગ જ મહિમા છે. જોકે, આ બધાં તીર્થસ્થાનો પૈકી હરિદ્વારનો મહિમા સૌથી અલગ જ છે. પુણ્યતીર્થ હરિદ્વારમાં મંદિરોની કોઇ જ કમી નથી. તેથી જ તો હરિદ્વારને મંદિરોની નગરી પણ કહેવામાં આવે છે. આ હરિદ્વારનાં મંદિરોની વચ્ચે દક્ષેશ્વર મહાદેવ મંદિરનું પણ આધ્યાત્મિક માહાત્મ્ય છે. અહીં ભક્તો પોતાની માનતા પૂરી કરવા અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ લેવા પૂરા ભક્તિભાવથી આવે છે.
હરિદ્વારનાં તીર્થોના સંદર્ભમાં અને પુરાણોમાં જણાવાયું છે કે –
गंगाद्वारे कुशावती विल्वके नीलपर्वते
स्नात्वा कनखले तीर्थे पुनर्जन्म न विद्यते
અર્થાત્ ગંગાદ્વાર (હર કી પૌડી), કુશાવર્ત, બિલેશ્વર, નીલા પર્વત અને કનખલ આ પાંચ મુખ્ય હરિદ્વારનાં તીર્થમાં વિધિવત્ સ્નાન અને દર્શનમાત્રથી પુનર્જન્મ થતો નથી. આ જ કનખલ વિસ્તારમાં દક્ષ પ્રજાપતિ મંદિર છે જેને શ્રદ્ધાળુઓ દક્ષેશ્વર મહાદેવ તરીકે પૂજે છે.
મંદિરનો પૌરાણિક ઉલ્લેખ
આ મંદિરનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. ઉત્તરાખંડના હરિદ્વારના કનખલમાં આવેલું દક્ષેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ અલૌકિક છે. નોંધનીય છે કે, આ મંદિરમાં આવેલું શિવલિંગ ધરતીની સાથેસાથે પાતાળલોકમાં પણ સ્થિત છે.
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે જ્યારે દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું હતું ત્યારે આ ધાર્મિક આયોજનમાં રાજા દક્ષે તમામ દેવી-દેવતાઓની સાથે ઋષિમુનિઓ અને સંતોને આમંત્રણ પાઠવ્યું હતું, પરંતુ આ યજ્ઞ માટે રાજા દક્ષે ભગવાન ભોળાનાથને કોઈ પણ પ્રકારનું નિમંત્રણ પાઠવ્યું નહોતું તેમજ રાજા દક્ષે ભગવાન શિવનું પણ ખૂબ જ અપમાન કર્યું હતું. જે કારણસર દેવી સતીએ યજ્ઞકુંડમાં કૂદીને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી અને ત્યારબાદ ભગવાન શિવે ક્રોધિત થઈને પોતાની જટાઓથી ધરતી પર પછાડીને વીરભદ્રને પ્રગટ કર્યા હતા. આ વીરભદ્રને રાજા દક્ષનું મસ્તક કાપીને યજ્ઞને નષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે ભગવાન વિષ્ણુ, બ્રહ્મા અને અન્ય દેવી-દેવતાઓએ ભગવાન શિવને તેમનો ગુસ્સો શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ભગવાન શિવનો ગુસ્સો શાંત થયો નહીં. ત્યારબાદ મસ્તક કાપેલા રાજા દક્ષે ભગવાન શિવથી માફી માંગી અને ભગવાન ભોળાનાથે તેમની માફી સ્વીકારી લીધી હતી. માફી માગ્યા બાદ ભગવાન વિષ્ણુ, બ્રહ્મા અને અન્ય દેવી-દેવતાઓના આગ્રહને વશ થઈને દક્ષને બકરાનું મસ્તક લગાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ રાજા દક્ષના આગ્રહ પર ભગવાન મહાદેવે કહ્યું હતું કે, આ જગ્યાને ભગવાન શિવના દક્ષેશ્વર મહાદેવના નામથી પૂજવામાં આવશે અને શ્રાવણ માસનો આખો મહિનો ભગવાન ભોળાનાથ કનખલમાં આવેલા દક્ષેશ્વરમાં જ નિવાસ કરશે.
ભગવાન ગણેશ અને અન્ય મંદિરો
આ મંદિરના પરિસરમાં જ ભગવાન શ્રી ગણેશ, સત્ય શિવસાધના મંદિર, દસ મહાવિદ્યા મંદિર, શનિ મંદિર ઉપરાંત ઇચ્છાપ્રદ હનુમાન, વૈષ્ણવ માતા મંદિર, માતા ગંગા મંદિર, પ્રાચીન વટવૃક્ષ અને નંદી દેવતા, વૈદિક કર્મકાંડ મહાવિદ્યાલય જોવા મળે છે. મંદિરમાં પ્રવેશતાની સાથે જ સતી કુંડ આવેલો છે અને થોડાક આગળ જતા પવિત્ર યજ્ઞશાળા આવેલી છે. તેના આગળ જતા એક ઓરડામાં સદાશિવનું સ્થાન છે, જ્યાં માતા પાર્વતી, નંદી, ગણેશાદિ દેવગણ પૂજિત છે. મૂળ આ મંદિરની બાહ્ય અને આંતરિક કોતરણી ખૂબ જ ઉત્કૃષ્ટ છે.
દક્ષેશ્વર મહાદેવ મંદિરની આસપાસમાં જ શ્રી સત્યનારાયણ મંદિર, શીતળા માતા મંદિર, કાલિકા દેવી મંદિર, માતા દુર્ગા મંદિર, સતીજીનું જન્મસ્થળ અને કનખલ ઘાટ જઈને શ્રદ્ધાળુઓ પોતાનાં માથાં ટેકવે છે. આ તમામ સ્થળોએ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
ભગવાન બ્રહ્માજી દ્વારા શિવલિંગની સ્થાપના
પૌરાણિક માન્યતા પ્રમાણે જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી ત્યારે પૃથ્વીલોકની પ્રથમ રાજધાની કનખલની જ સ્થાપના કરી હતી અને પૃથ્વીલોકના પ્રથમ રાજા પોતાના માનસપુત્ર પ્રજાપતિ દક્ષને બનાવ્યા હતા. કનખલમાં બ્રહ્માંડના પ્રથમ સ્વયંભૂ શિવલિંગ દક્ષેશ્વર મહાદેવ કહેવાય છે અને જેની સ્થાપના સ્વયં ભગવાન શંકરે કરી હતી. તો બીજી તરફ ભગવાન બ્રહ્માજીએ જ કનખલમાં જ દક્ષેશ્વર મહાદેવ મંદિરની ઠીક સામે જ બ્રહ્મેશ્વર શિવલિંગની સ્થાપના કરી હતી.
આ મંદિર સાથે એવી માન્યતા જોડાયેલી છે કે, બ્રહ્માજી બ્રહ્મ મુહૂર્તમાં પ્રતિદિવસ મહાદેવની પૂજા કરે છે તેમજ દક્ષેશ્વર મહાદેવ મંદિરની પૂજા કરવાનું સંપૂર્ણ ફળ ત્યારે જ મળે છે જ્યારે શિવભક્ત શ્રદ્ધાળુ પહેલાં બ્રહ્મેશ્વર શિવલિંગની પૂજા કરે છે. આ મંદિરને અંગે બીજી પણ એક એવી ધાર્મિક માન્યતા છે કે, બ્રહ્મમુહૂર્તમાં જે કોઈ પણ શ્રદ્ધાળુ દક્ષેશ્વર મહાદેવ મંદિરની પૂજા-અર્ચનામાં સામેલ થાય છે અને ભક્તિમય પ્રાર્થના કરે છે તો તેમને બ્રહ્મલોક અને શિવલોકનાં બંને ફળ પ્રાપ્ત થાય છે.
મંદિર નિર્માણ અને પુનઃ નિર્માણ
ભગવાન શિવના આ દક્ષેશ્વર મંદિરનું નિર્માણ રાણી ધનકૌરે ઈ.સ. 1810માં કરાવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1962માં આ મંદિરનું પુનઃનિર્માણ પણ કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના પગનાં નિશાન પણ બનેલાં છે. આ મંદિરની પાસે જ ગંગા નદી વહે છે, જ્યાં કિનારા પર દિક્ષા ઘાટ છે અને અહીં શ્રદ્ધાળુઓ ગંગામાં સ્નાન કરીને ભગવાન શિવનાં દર્શન કર્યાંનો અહેસાસ કરે છે. રાજા દક્ષ દ્વારા કરવામાં આવેલા યજ્ઞનો ઉલ્લેખ વાયુ પુરાણમાં પણ કરવામાં આવેલો છે.
કેવી રીતે પહોંચશો?
દક્ષેશ્વર મહાદેવ મંદિર કનખલમાં આવેલું છે. અહીં આવવા માટે હરિદ્વાર રેલવે અને રોડવેઝ અંદાજિત ત્રણેક કિલોમીટર છે. અહીં અન્ય રાજ્યોથી પણ ટ્રેન અને સરકારી તેમજ પ્રાઇવેટ વાહનોની સુવિધા ઉપલબ્ધ છે તેમજ ઓટો-રિક્ષા, ઈ-રિક્ષાથી નેશનલ હાઇવે પર સિંહ દ્વાર અથવા તો આશ્રમ પુલ પાર કરીને સરળતાથી કનખલ મંદિર પહોંચી શકાય છે. જ્યારે અહીં સૌથી નજીકનું ડોમેસ્ટિક એરપોર્ટ દહેરાદૂનનું જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે જે હરિદ્વારથી અંદાજે 37 કિમી. દૂર આવેલું છે. તેમજ નવી દિલ્હીનું ઇંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે.