‘હવે’ મેયર મહોદયા આવશે તમારા દ્વારે, વોર્ડવાઇઝ લોકદરબાર
તા.૨૨થી તા.૧3 ઓગસ્ટ સુધી તમામ ૧૮ વોર્ડમાં યોજાશે લોક દરબાર, શિષર્ક રખાયુ ‘મેયર તમારે દ્વારે’
ટીઆરપી કાંડમાં ૨૭ માનવ જીંદગી ભડથુ થઇ ગઇ, એ પછી ભ્રષ્ટાચારના એક પછી એક મહાકાય અજગરો ફૂંફાડા મારતા બહાર નીકળ્યા અને અત્યાર જેલના સળિયા ગણી રહ્યા છે, જનતામાં પ્રચંડ આક્રોશ હતો અને આજે પણ છે જ, ટીઆરપી કાંડ બાદ જાણે ભાજપના નગરસેવકો ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. પ્રજા વચ્ચે આવતા ન હતા. ચાર-ચાર સીટની રચના કરવામા આવ્યા છતા હજુ પણ ટીઆરપી કાંડમાં હજુ પદાધિકારીઓ અને ટોચના આઇએએસ, આઇપીએસ અધિકારી સુધી તપાસ પહોંચી નથી પરંતુ સમય જતાં લોકો ભૂલી જશે તેવું માનીને ભાજપ હવે લોકો વચ્ચે જવા મન બનાવી રહ્યું છે. ટીઆરપી કાંડમાં કેટલાક ભાજપના ચહેરાઓ નામ જોગ છતા થયા છે. પાર્ટીની આબરૂ ધુણધાણી થઇ છે. આવા સંજોગોમા જાણે ડેમેજ કન્ટ્રોલના ભાગરૂપે ફરી પ્રજા વચ્ચે જવા ‘મેયર તમારા દ્વારે’ના શિર્ષક હેઠળ વોર્ડવાઇઝ લોકદરબારનું ‘યુક્તિબધ’ આયોજન કરાયુ છે. આગામી તા.૨૨થી ૧3 ઓગસ્ટ સુધી અલગ અલગ વોર્ડમાં લોકદરબાર યોજાવાનો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડવાઈઝ “મેયર તમારા દ્વારે”(“લોક દરબાર”)નું આજ થી તા.૧૩ ઓગસ્ટ સુધી સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ સુધી આયોજન કરેલ છે. આ “લોક દરબાર”માં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ન અને ફરિયાદનો સ્થળ પર અથવા ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવશે તેવો દાવો મેયરે કર્યો છે..
લોકદરબારના આયોજન માટે મળેલી મીટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ચેતન નંદાણી, હર્ષદ પટેલ તેમજ સહાયક કમિશનર, સિટી એન્જીનિયર, મેડીકલ ઓફિસર, પર્યાવરણ ઈજનેર, મેનેજર, વોર્ડ એન્જીનિયર, વોર્ડ ઓફિસર, નાયબ પર્યાવરણ ઈજનેર, નાયબ મેડીકલ ઓફિસરવગેરે અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એક સમયે પદાધિકારીઓ ચહેરા છુપાવતા હતા
લોકસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપની જીત થયા બાદ ઉજવણી નહીં કરીએ. માત્ર તેટલી જાહેરાત કરવા માટે ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. એ સમયે ટીઆરપી કાંડને લગતા સવાલો મીડિયાકર્મિઓએ ઉઠાવતા પત્રકાર પરિષદ પડતી મુકવી પડી હતી અને પદાધિકારીઓ મીડિયાથી ચહેરા છુપાવતા હતા.