- કોન્ટ્રાકટર દ્વારા સલામતીના સાધનો વાપર્યા વગર કામ કરવામાં આવી રહ્યું છે
- કામદારો પણ સેફટીના સાધનો પહેરતા નથી
- તોડફોડમાં કોઈને ઈજા પહોચે તો જવાબદારી કોની ?
કલોલ રેલવે સ્ટેશનના નવીનીકરણના પગલે અત્યારે હયાત બિલ્ડીંગ તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જોકે, કોન્ટ્રાકટર દ્વારા અહિ સલામતીનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું ના હોય અકસ્માતનો ખતરો ઉભો થવા પામ્યો છે. અહી કામ કરતા કામદારો પણ સેફટી સાધનો પહેર્યા વગર કામ કરી રહ્યા છે. જેના પગલે અકસ્માતની સંભાવનાઓ વધી ગઇ છે.
કેન્દ્ર સરકાર દ્વારા કલોલ રેલવે સ્ટેશનના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રૂપિયા 44 કરોડના ખર્ચે અત્યંત આધુનિક સુવિધાઓ સાથેનું નવું રેલવે સ્ટેશન આકાર લઇ રહ્યુ છે. નવું રેલવે સ્ટેશન બનાવવા માટે હાલના હયાત રેલવે સ્ટેશનને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોન્ટ્રાકટર દ્વારા હયાત રેલવે સ્ટેશનના બિલ્ડીંગને તોડવામાં આવી રહ્યું છે. ત્યારે અહી સલામતીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાકટર સલામતીના કોઈપણ જાતના સાધનો વાપર્યા વગર કામદારો જોડે કામ લઈ રહ્યો છે. તેના કારણે અહી કામ કરી રહેલા કામદારોના માથે અકસ્માતનો ખતરો મંડરાયેલો છે. કામ કરતા કામદારો પણ સલામતીના સાધનો પહેર્યા વગર કામકાજ કરી રહ્યા છે. અહી ખાડાઓ ખોદેલા હોવાથી ત્યાં પણ સેફટીના કોઈ બેરીકેટ લગાવ્યા નથી તેમજ પ્લેટફાર્મ નંબર- 1 હાલમાં ચાલુ છે. અને અહી પણ તોડફોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેમ છતાં પ્લેટફાર્મ નંબર 1 ઉપર બેરીકેટ બાંધીને કોન્ટ્રાકટર સંતોષ માની રહ્યો છે. અહી પણ સલામતી ધ્યાનમાં લેવામાં આવી નથી. રેલવે સ્ટેશને રોજના અનેક મુસાફરોની અવરજવર હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા મુસાફરોની સુરક્ષા માટે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી .જેના કારણે અહી અકસ્માતની કોઈપણ પ્રકારની ઘટનાઓ બનવાની સંભાવના ઉભી થવા પામી છે.


