- અયોધ્યા રામમંદિરને લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા
- આમંત્રિતો સિવાય 20થી 22 જાન્યુઆરીએ દર્શન બંધ
- લખનૌના એડિશનલ ડાયરેક્ટર જનરલ પિયૂષ મોરડિયાએ આપી માહિતી
અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને તૈયારીઓ તેજ બની છે. આમંત્રિતો 22 જાન્યુઆરીએ આવી પહોંચશે. તે માટે હાલમાં જિલ્લા પ્રશાસન પણ સજ્જ બન્યુ છે. સીએમ યોગી પણ આજે અયોધ્યા આવ્યા હતા. ત્યારે દિગ્ગજોને સુવિધા અને સુરક્ષાને લઇને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારે આમંત્રિતો સરળતાથી દર્શન કરી શકે તે માટે કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે તે વિશે જાણીએ.
સુરક્ષાને લઇને કોઇ બાંધછોડ નહી
આ અંગે લખનૌના એડિશનલ ડાયરેક્ટર જનરલ પિયૂષ મોરડિયાએ જણાવ્યું કે પ્રતિ દિવસ સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવે છે. ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ કેમેરા જનપથ પર લગાવવામાં આવ્યા છે. જેની પર મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે. ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જનપથમાં પ્રવેશનારા તમામનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શ્રમિકો, ભાડુઆતો તથા યાત્રીઓ વગેરેની જાણકારી રાખવામાં આવી રહી છે. આ અંગે એક એસઓપી બનાવવામાં આવી છે. ઇન્ટેલિજન્સની ટીમ પોતાનું કામ કરી રહી છે. નવા લોકો શહેરમાં આવી રહ્યા છે તેમને આઇડેન્ટીફાય કરવાનું પણ કામ કરી રહ્યા છીએ.
20 થી 22 જાન્યુઆરી દર્શન રહેશે બંધ
અયોધ્યામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે જેથી પાર્કિંગની કોઇ સમસ્યા ન થાય તે માટે પાર્કિંગ ઝોન પણ આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે. જ્યાં નાના અને મોટા વાહનોને અલગ અલગ પાર્ક કરાશે. જે લોકો દર્શન માટે આવે છે તે લોકોને પૂર્વ નિર્ધારિત રસ્તેથી દર્શન કરાવા લઇજવાશે. આ સાથે જ જનતા માટે 20 થી 22 જાન્યુઆરી સુધી રામલલ્લાના દર્શન બંધ છે તેમ જણાવ્યું હતું.જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે તે લોકોને જ રામમંદિરના દર્શન કરી શકશે. કારણ કે જગ્યા મર્યાદિત છે. જે લોકોએ દર્શન કરવા આવવુ છે તેઓ 23 જાન્યુઆરી પછી આવે જેથી તેઓ સુવિધાજનક દર્શન કરી શકે તેમ લખનૌના એડીજીએ જણાવ્યું હતું.


