ઓસ્ટ્રેલિયાએ અમેરિકાને 2-1થી હરાવીને સતત ત્રીજા વર્ષે ડેવિસ કપ ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બંને ટીમે સિંગલ્સમાં મુકાબલા જીતીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો.
ત્યારબાદ ડબલ્સ મુકાબલામાં વિજેતા ટીમનો નિર્ણય આવ્યો હતો. મેથ્યૂ એબડેન અને જોર્ડન થોમ્પસનની ઓસ્ટ્રેલિયન જોડીએ બેન શેલ્ટન અને ટોમી પોલની જોડીને 6-4, 6-4થી પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા 28 વખત ડેવિસ કપ ચેમ્પિયન બન્યું છે. અંતિમ-4મા ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇટાલી સામે થશે. અન્ય સેમિફાઈનલમાં નેધરલેન્ડ્સ અને જર્મની આમનેસામને થશે.
પ્રથમ સિંગલ્સ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાના થાનાસી કોકિનાસે ચાર મેચ પોઇન્ટ બચાવીને શેલ્ટનને 6-1, 4-6 (7-6 (14)થી હરાવ્યો હતો. ત્યારબાદ યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમના રનર્સ-અપ ટેલર ફિત્ઝે વિશ્વના નવમા ક્રમાંકિત એલેક્સ ડી મિનોરને કોઈ પણ મુશ્કેલી વિના 6-3, 6-4થી હરાવીને અમેરિકા માટે સ્કોર 1-1થી સરભર કર્યો હતો. આ પહેલો ઇટાલીએ આર્જેન્ટિનાને 2-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આર્જેન્ટિનાના ફ્રાન્સિસ્કોએ લોરેન્ઝો મુસેટ્ટીને 6-4, 6-1થી હરાવ્યો હતો. ત્યારબાદ જાનિક સિનરે સબાસ્ટિયન બાએઝને હરાવીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો. ડબલ્સમાં ઇટાલીના સિનર તથા બેરેટ્ટિનીએ ગોન્ઝાલેઝ અને મોલેટેનીની જોડીને 6-4, 7-5થી હરાવીને ટીમને સેમિફાઇનલમાં પહોંચાડી દીધી હતી