- મુંબઈના સિરિયલ બ્લાસ્ટના ષડ્યંત્રના છેડાં પોરબંદરના ગોસા-બારા સુધી લંબાયેલા
- વર્ષોથી ચાલતા કેસના સંખ્યાબંધ સાક્ષી-આરોપીના મૃત્યુ થઈ ચૂક્યા છે
- તપાસ દરમ્યાન આરોપીઓની યાદી 40 સુધી પહોંચી હતી
ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમ વર્ષોથી કરાંચીમાં સ્થાયી થયા બાદ હવે તેની તબીયતની ગંભીર સ્થિતિના સમાચાર આવી રહ્યા છે અને ફરી તેના નામની ચકચાર મચી છે. ત્યારે જાણવું રસપ્રદ રહેશે કે, મુંબઈના સિરિયલ બોમ્બ બ્લાસ્ટની તપાસ દરમ્યાન જામનગરમાં નોંધાયેલા ટાડાની કલમો હેઠળ નોંધાયેલા આરડીએક્સ કેસ તરીકે જાણીતા બનેલા કેસમાં જામનગર પોલીસનો પણ દાઉદ મોસ્ટ વોન્ટેડ આરોપી છે.
મુંબઈમાં 1993ના સીરીયલ બોમ્બ બ્લાસ્ટમાં સ્કુલબસના માસુમ બાળકો સહિતના ર00થી વધુ લોકોના મોત નિપજ્યા બાદ દેશની સુરક્ષા એજન્સીઓના તપાસના ધમધમાટમાં મુંબઈમાં વપરાયેલું આરડીએક્સ પોરબંદર નજીકના ગોસાબારા પાસે ઉતરીને જામનગર થઈને મુંબઈ ટ્રાન્સપોર્ટ થયું હોવાનું ખુલ્યા બાદ જામનગરના તત્કાલિન એસપી પ્રમોદકુમાર ઝાની અગ્રતામાં શરુ થયેલી પોલીસ તપાસમાં ગોસાબારા આરડીએક્સ લેન્ડિંગ કેસ તરીકે જાણીતો થયેલો ટાડા કેસ જામનગરના સીટી બી ડીવીઝનમાં નોંધાયો હતો. જેમાં તપાસ દરમ્યાન આરોપીઓની યાદી 40 સુધી પહોંચી હતી. આ કેસના સંખ્યાબંધ સાહેદો-આરોપીઓ મૃત્યુ પણ પામ્યા છે. આ કેસમાં આરોપી તરીકે દાઉદ ઈબ્રાહિમ પણ તે સમયથી વોન્ટેડ છે અને હજી પણ જામનગર પોલીસના ચોપડે તે વોન્ટેડ તરીકે બોલે છે. આમ જામનગરની અદાલતમાં વર્ષોથી ચાલતા ટાડાના કેસમાં દાઉદ પણ આરોપીઓ પૈકીનો એક ગણાયો છે. જેની જામનગર પોલીસને તલાશ છે.


