યોગેશ્વર શ્રીકૃષ્ણના તો અનેક ભક્તો હતા, જેમણે કૃષ્ણભક્તિની જ્યોત જલાવી હતી. જન્માષ્ટમીએ કરોડો ભક્તો શ્રીકૃષ્ણની ભક્તિ કરશે ત્યારે જાણીએ ઇતિહાસના કેટલાક મહાન કૃષ્ણભક્તો વિશે.
રાધાજી
રાધાજીને શ્રીકૃષ્ણની પરમ ભક્તિ અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. રાધાકૃષ્ણનો પ્રેમ અલૌકિક અને આધ્યાત્મિક છે, જેમાં રાધા ભક્તિના સર્વોચ્ચ શિખરે બિરાજમાન છે. તેમની ભક્તિ એવી હતી કે કૃષ્ણનું નામ રાધાના નામ વગર અધૂરું ગણાય છે. રાધાની ભક્તિમાં કોઈ અપેક્ષા નહોતી, માત્ર શુદ્ધ પ્રેમ અને સમર્પણ હતું. રાધાનું નામ લેવાથી શ્રીકૃષ્ણ પોતે પ્રસન્ન થાય છે, એવું માનવામાં આવે છે. તેમનું જીવન ભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જે આજે પણ કરોડો ભક્તોને પ્રેરણા આપે છે.
અર્જુન
અર્જુન શ્રીકૃષ્ણના પરમ મિત્ર, સખા અને શિષ્ય હતા. મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ તેમના સારથિ બન્યા હતા. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન પોતાના સ્વજનો સામે લડવાથી પીછેહઠ કરી રહ્યા હતા, ત્યારે શ્રીકૃષ્ણએ તેમને શ્રીમદ ભગવદ્ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ગીતામાં કૃષ્ણએ અર્જુનને કર્તવ્ય, કર્મ અને ધર્મનું મહત્ત્વ સમજાવ્યું. અર્જુનનો કૃષ્ણ પ્રત્યેનો સંબંધ માત્ર મિત્રતા પૂરતો સીમિત નહોતો, પરંતુ તે એક શિષ્ય તરીકે કૃષ્ણના ઉપદેશોને આત્મસાત્ કરનાર એક શ્રેષ્ઠ ભક્ત પણ હતો.
મીરાંબાઈ
મીરાંબાઈ પણ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતાં. તેમણે પોતાનું જીવન કૃષ્ણને સમર્પિત કરી દીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણની ભક્તિમાં અનેક ભજનો અને પદોની રચના કરી, જે આજે પણ ભક્તિસંગીતમાં ખૂબ પ્રચલિત છે. તેમનો પ્રેમ કૃષ્ણ પ્રત્યે એટલો ઊંડો હતો કે તેમણે સમાજ અને રાજવી પરિવારનાં બંધનોનો ત્યાગ કરી દીધો હતો. મીરાંબાઈ કૃષ્ણને પોતાના પતિ માનતાં હતાં અને તેમની ભક્તિમાં સંપૂર્ણપણે લીન થઈ ગયાં હતાં. તેમની ભક્તિમાં રહેલી તીવ્રતા અને સમર્પણે તેમને એક અવિસ્મરણીય ભક્ત બનાવ્યાં છે.
સુદામા
સુદામા શ્રીકૃષ્ણના બાળપણના મિત્ર અને પરમ ભક્ત હતા. સુદામા અત્યંત ગરીબ હોવા છતાં તેમની કૃષ્ણ પ્રત્યેની ભક્તિ અડગ હતી. જ્યારે તેઓ દ્વારકા ગયા ત્યારે કૃષ્ણએ તેમનું ખૂબ સન્માન કર્યું. કૃષ્ણએ તેમના ગરીબ મિત્રના ચરણ ધોઈને અને તેમને સત્કારીને સાબિત કર્યું કે મિત્રતામાં કોઈ ભેદભાવ હોતો નથી. સુદામાની ભક્તિ અને નિ:સ્વાર્થ પ્રેમે કૃષ્ણનું હૃદય જીતી લીધું હતું. સુદામાનું આતિથ્ય કરીને કૃષ્ણે તેમની ગરીબી દૂર કરી અને તેમને સમૃદ્ધિ આપી, જે દર્શાવે છે કે સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી.
નરસિંહ મહેતા
નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ અને શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તેમનો જન્મ જૂનાગઢમાં થયો હતો. તેમના જીવનમાં અનેક ચમત્કારો બન્યા હતા, જેને ભગવાને પોતે ભક્તની લાજ રાખવા માટે કર્યા હતા. જેમ કે, શ્રાદ્ધ વખતે ભગવાન કૃષ્ણે પોતે પિતૃઓના રૂપમાં ભોજન ગ્રહણ કર્યું હતું અને એક વાર તેમની હૂંડી પણ સ્વીકારી હતી. તેમનું પ્રખ્યાત ભજન `વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ગાંધીજીને ખૂબ પ્રિય હતું. નરસિંહ મહેતાએ કૃષ્ણની ભક્તિને જીવનનો મુખ્ય હેતુ બનાવ્યો હતો.
અક્રૂર
અક્રૂર શ્રીકૃષ્ણના કાકા અને કૃષ્ણભક્ત હતા. કંસના કહેવાથી તેઓ કૃષ્ણ અને બલરામને મથુરા લઈ જવા માટે ગોકુળ આવ્યા હતા. રસ્તામાં યમુના નદીમાં સ્નાન કરતી વખતે તેમને પાણીમાં કૃષ્ણ અને બલરામનાં દર્શન થયાં. આ દૃશ્ય જોઈને તેઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા અને કૃષ્ણના દિવ્ય સ્વરૂપને ઓળખી ગયા. અક્રૂરને ભક્તિ અને વિનયના પ્રતીક માનવામાં આવે છે. તેમણે મથુરામાં શ્રીકૃષ્ણનો અર્જુન અને ઉદ્ધવ સાથે પરિચય કરાવ્યો. તેમની ભક્તિ એવી હતી કે તેમને ભગવાનનાં દર્શન જળમાં થયાં, જે તેમની અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે.
ઉદ્ધવ
ઉદ્ધવ શ્રીકૃષ્ણના પરમ મિત્ર અને સલાહકાર હતા. તેઓ કૃષ્ણ જેવા જ દેખાતા હતા. ઉદ્ધવ વિદ્વાન અને જ્ઞાની હતા, પણ તેમને ભક્તિની શક્તિનો સંપૂર્ણ અનુભવ નહોતો. જ્યારે કૃષ્ણ મથુરામાં હતા, ત્યારે તેમણે ઉદ્ધવને ગોકુળ મોકલ્યા, જેથી તેઓ ગોપીઓને આશ્વાસન આપી શકે. ઉદ્ધવે ગોપીઓને જ્ઞાનનો ઉપદેશ આપ્યો, પરંતુ ગોપીઓએ કૃષ્ણ પ્રત્યેના તેમના નિ:સ્વાર્થ પ્રેમ અને ભક્તિથી ઉદ્ધવને અહેસાસ કરાવ્યો કે જ્ઞાન કરતાં ભક્તિનું મહત્ત્વ વધુ છે. આ ઘટના પછી ઉદ્ધવ એક પરમ ભક્ત બની ગયા, જેમણે કૃષ્ણની ભક્તિના માર્ગને સ્વીકાર્યો.
કૃષ્ણ તૈયાર થાય છે
તમે રમઝટ બોલાવજો
સાકર-માખણ સાથે ઝભલાં ને ટોપી,
શુકનમાં શ્રીફળ લઈને રે,
હાલો હાલોને નંદ ઘેર જઈએ રે.
નંદજીને ઘેર આજ આનંદ ભયો રે,
વધામણાં લઇને જઈએ રે. હાલો હાલો…
આસોપાલવનાં તોરણ બંધાવીએ,
કુમકુમના સાથિયા પુરાવીએ રે. હાલો હાલો…
લાલાના ભાલમાં તિલક સજાવીએ,
ફૂલડાની માળા પહેરાવીએ રે. હાલો હાલો…
માખણ ને મિસરીનો ભોગ ધરાવીએ,
ઝભલાં ને ટોપી પહેરાવીએ રે. હાલો હાલો…
સોનાનું પારણું ને રેશમની દોર છે,
લાલાને પ્રેમથી ઝુલાવીએ રે. હાલો હાલો…
અબીલ ગુલાલની છોળો ઉડાડીએ,
હેતે હાલરડાં ગવડાવીએ રે. હાલો હાલો…
કંચનની થાળીમાં કપૂર મુકાવીએ,
લાલાની આરતી ઉતારીએ રે. હાલો હાલો…
નાચી કૂદીને રૂડો ઉત્સવ મનાવીએ,
વૈકુંઠનું સુખ ભૂલી જઈએ રે. હાલો હાલો…
મોરપીંછ
કૃષ્ણના મુગટ પર સજેલું મોરપીંછ ખૂબ જ સુંદર અને મોહક પ્રતીક છે. હિન્દુ ધર્મમાં ધનની દેવી કહેવાતાં માતા લક્ષ્મી અને દેવી સરસ્વતી પાસે પણ મોરપીંછ જોવા મળે છે. તે બ્રહ્માંડના રંગો, શાશ્વતતા અને સુંદરતાનું પ્રતીક છે. કેટલાક લોકો માને છે કે મોરપીંછ સમયના ચક્ર અને બ્રહ્માંડની રચનાનું પણ પ્રતીક છે. અલબત્ત, પીંછું જોતાં જ સૌથી પહેલાં ભગવાન કૃષ્ણ સૌનાં મનમાં રમતા થઇ જાય છે. ધાર્મિક ગ્રંથોના જણાવ્યા પ્રમાણે મોરપીંછમાં તમામ દેવી-દેવતાઓ અને નવ ગ્રહનો વાસ હોય છે.