- નચિકેતા સત્ય સન્મુખ હતો એટલે યમરાજ વરદાન આપવા લાગ્યા કે માત્ર, માત્ર તું જે માગે એ આપું, પરંતુ તું ઉપવાસ બંધ કર, મરવાની વાત બંધ કર
મોક્ષની બાબતમાં નથી જાણતો. હું સ્પષ્ટ કહું છું, `રામચરિત માનસ’ પર હાથ રાખીને કહું છું. મારી સમજ મુજબ મૃત્યુ જ મોક્ષ છે. મોક્ષમાં મારી તો રુચિ પણ નથી. મોક્ષ શું? મોક્ષ એ કાંઈ પરલોકમાં હાઉસિંગ સોસાયટી છે કે ત્યાં આપણું મકાન બનાવી લઈએ! પરલોક જ પ્રશ્નાર્થ છે. આ લોકને સુધારો. આ લોકમાં એકબીજાના સહાયક બનો, કોઈનો દ્વેષ ન કરો, અખંડ સદ્ભાવના જાળવી રાખો. એ જ મોક્ષ છે. શબને શુકન માનવામાં આવે છે. મૃત્યુની આટલી અદબ શા માટે છે? જીવતાં કોઈ મળે છે તો માણસ રસ્તો બદલી નાખે છે કે આ ક્યાં મળ્યો! અને શબ મળે છે તો આપણે ત્યાં શુકન માનવામાં આવે છે, કારણ કે એક એવો માણસ જાય છે કે જે કોઈની નિંદા નહીં કરે, ઈર્ષ્યા નહીં કરે, ખોટું નહીં બોલે, તુલના નહીં કરે, સ્પર્ધા નહીં કરે, ચોરી નહીં કરે, લૂંટ નહીં કરે, કાંઈ નહીં કરે!
મૃત્યુ જ મોક્ષ છે. એના મૃત્યુના રહસ્યને આપણે સમજી લઈએ તો વર્તમાન જીવન બહુ જ ઉત્સાહપૂર્ણ થઈ શકે છે. સુખી થવું હોય તો મૃત્યુનો વિચાર જ ન કરો અથવા સ્વીકાર કરી લો. જે અવશ્ય થવાનું છે, જે જીવનનું ધ્રુવ છે, જે જીવનનું સત્ય છે એવા મૃત્યુનો આપણે સ્વીકાર કેમ ન કરીએ? જ્યારે આપણો જન્મ થયો’તો ત્યારે ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, તો આપણે આપણા મૃત્યુનો ઉત્સવ આપણે ખુદ કેમ ન મનાવીએ? મૃત્યુનું સ્વાગત કરીએ. ડરીએ શું કામ? શાંતિથી મૃત્યુ વિશે વિચારીએ તો જીવનમાં ક્યારેય મૃત્યુનો ડર નહીં લાગે. મૃત્યુ માંગલિક બની શકે છે. મૃત્યુ જ મોક્ષ છે. મોક્ષનો મતલબ છે કે સુખ અને દુ:ખનો વિચાર છૂટી જાય અથવા તો સુખ અને દુ:ખ બંનેનો સ્વીકાર થઈ જાય. એ મૃત્યુમાં થાય છે. ફૂલની માળા પહેરાવો કે જે હોય એને ઉતારી લો, કોઈ ફર્ક પડતો નથી, કેમ કે દરેક વસ્તુનો સ્વીકાર થઈ ગયો છે. મારો કહેવાનો મતલબ એ છે કે, દ્વેષ નીકળી જાય, તુલના નીકળી જાય, આકાંક્ષા ઓછી થાય તો દાતા શું નથી આપતો? મોક્ષને માટે મરવું જરૂરી નથી, અંદર કેટલીક વાતો મરી જાય એ જ મોક્ષ છે. અને એ જે શીખી લે છે એનો વર્તમાન મંગલ ભવન થઈ જાય છે, માણસ પ્રસન્ન રહી શકે છે.
ઈન્દ્રનો દીકરો જયંત રામચરિત્ર પર અકારણ શંકા કરવા લાગ્યો કે આ ક્યાંના ઈશ્વર! આ તો વિલાસી લાગે છે. જાનકીજી સ્ફટિક શીલા પર બેઠાં હતાં અને ભગવાન એમને શણગાર કરતા હતા. એ સમયે ઈન્દ્રનો પુત્ર કાગડાનું રૂપ લઈને આવે છે. ઈન્દ્રનો પુત્ર કાગડો બની ગયો! અને સીતાનાં ચરણોમાં ચાંચ મારે છે, ચંચૂપાત કરે છે. સીતાજીનાં ચરણોમાંથી લોહી વહેવા માંડે છે. દરેક ગામમાં ક્યાંક ને ક્યાંક જયંત બેઠા હોય છે જે કોઈના જીવનમાં અકારણ ચંચૂપાત કરે છે! દરેક ગામમાં, દરેક ગલીમાં, દરેક ઘરમાં ક્યાંક ને ક્યાંક જયંત મળી જાય છે! જાનકીજીને ચાંચ મારીને જયંત ભાગ્યો. એણે વિચાર્યું કે બાપને ઘેર પહોંચી જઉં, નહીં તો મરી જઈશ! પરંતુ ઈન્દ્રએ કહ્યું કે તું રામનો દ્રોહ કરીને આવ્યો છે, ભાગી જા! પિતાએ ન રાખ્યો. પછી શિવલોક ગયો, બ્રહ્મપુરી ગયો, પરંતુ કોઈએ બેસવા પણ ન દીધો! રામના દ્રોહીને ક્યાંય જગ્યા નથી મળતી. અને રામ એટલે સત્ય, રામ એટલે પ્રેમ, રામ એટલે કરુણા. જે સત્યનો દ્રોહી છે, જે પ્રેમનો દ્રોહી છે, જે કરુણાનો દ્રોહી છે એને વિશ્વમાં ક્યાંય જગ્યા નથી મળતી! એવા રામના દ્રોહીની સ્થિતિ કેવી હોય છે એ દર્શાવવા તુલસીએ પંક્તિ લખી –
માતુ મૃત્યુ પિતુ સમન સમાના,
સુધા હોઈ વિષ સુનુ હરિજાના
તો રામવિરોધી એટલે કે સત્યવિરોધી, પ્રેમવિરોધી કે કરુણાવિરોધી થઈ જાય છે એની સ્થિતિ કેવી થાય છે? માતુ મૃત્યુ, જે મા છે એ મોત થઈ જાય છે! ધ્યાનથી સાંભળજો. આ નકારાત્મક સૂત્ર છે અને હું હકારાત્મક ભૂમિકાએ મૃત્યુની વાત કરવા ચાહું છું એટલે ધ્યાનથી સાંભળજો. શંકરાચાર્ય કહે છે કે માતા કુમાતા નથી બનતી. અહીં તો મોત બની જાય છે! જે રામવિરોધી એની માતા મોત બની જાય છે! પિતા યમરાજ બની જાય છે! બાપ દંડ દેનારા યમરાજ થઈ જાય છે! રામદ્રોહીને માટે અમૃતનો પ્યાલો વિષ બની જાય છે! મિત્ર છે એ શત્રુ બની જાય છે! અને એમના માટે ગંગા યમપુરીની વૈતરણી બની જાય છે અને આખુંય જગત અગ્નિની માફક બળતું થઈ જાય છે. આપણે નકારાત્મક વાત નથી કરવી. આપણે અસ્વીકારનો નહીં, સ્વીકારનો મંત્ર લેવો છે. જ્યારે સ્વીકાર કરવાનું શીખીશું ત્યારે જ જીવન ઉત્સવ બનશે. આપણે હકારાત્મક ચિંતન કરીએ, પોઝિટિવ થિંકિંગ કરીએ કે સત્ત્વથી વિમુખ નહીં, સન્મુખ થઈએ; પ્રેમથી વિમુખ નહીં, સન્મુખ થઈએ અને કરુણાથી વિમુખ નહીં, સન્મુખ થઈએ તો મોત પણ મા બની જશે. મૃત્યુ એક સાચી મા છે. સંગતિ જુઓ, એક મા છે કે જે પોતાના બાળકને ખોળામાં સુવડાવે છે, પરંતુ સ્કૂલે જવા માટે બાળક ન જાગે તો પણ જગાડે છે. ખાવા માટે, ટ્યૂશન માટે, હોમવર્ક માટે જગાડે છે. રામ સન્મુખ લોકો માટે મૃત્યુ એક એવી મા છે જે ચિરનિદ્રામાં સુવડાવી દે છે, પછી એને કોઈ ડિસ્ટર્બ નથી કરતું. મૃત્યુને મા સમજો, પરંતુ એ સમજ સ્વીકારની પ્રવૃત્તિથી-પોઝિટિવ થિંકિંગ કરવાથી આવશે.
રામવિમુખ થશો તો બાપ યમરાજ બનશે અને સન્મુખ થશો તો યમરાજ બાપની જેમ પોષણ કરશે. નચિકેતા સત્ય સન્મુખ હતો એટલે યમરાજ વરદાન આપવા લાગ્યા કે માત્ર, માત્ર તું જે માગે એ આપું, પરંતુ તું ઉપવાસ બંધ કર, મરવાની વાત બંધ કર. આ ઔપનિષદીય સૂત્ર છે. વિમુખ થયા તો અમૃત પણ વિષ અને સન્મુખ થયા તો વિષ પણ અમૃત. આપણી જિજીવિષાએ અને કામનાઓએ મૃત્યુને ભયાવહ બનાવી દીધું છે. મૃત્યુએ સૌને ડરાવી દીધા છે. મૃત્યુ માંગલિક થઈ શકે છે. ડેથ ડેથ નથી, સમજવા માટે ડેપ્થ છે. એની ડેપ્થ-ઊંડાઈ ખૂબ જ છે. એ રહસ્યમયી ઘટના છે અને એની ગહેરાઈમાં જે જશે એ અમૃતનો કળશ લઈને બહાર આવશે. આપણે મૃત્યુનાં સંતાન છીએ જ નહીં, આપણે તો અમૃતનાં સંતાન છીએ. ઉપદેશકોએ મોતથી ડરાવી દીધા છે, પરંતુ ડરવું વ્યર્થ છે. મૃત્યુ તો નિશ્ચિત છે એના માટે રડવું શું કામ?
મૃત્યુને ઉત્સવ માનવાની વાત કોઈ નવી નથી. સંબંધ રડાવશે એ જુદી વાત છે, પરંતુ તમે એને કેમ પરિવર્તિત કરો છો એ મહત્ત્વનું છે. અમારા સાધુ સમાજમાં કોઈ રીતરિવાજ નથી હોતા. કોઈ શોકસભા નહીં, કોઈ પ્રાર્થનાસભા નહીં, ઉઠમણું નહીં, બેસણું નહીં, સાદડી નહીં, કોઈ વિધિ અમારામાં નથી હોતો. મૌન પણ નહીં, સાધુ મૃત્યુ સમયે મૌન નથી રહેતા, એ ગાય છે, કેમ કે એ ઉત્સવ છે. અમે મૌન નથી રહેતા, ગાઈએ છીએ. મને ઘણા પૂછે છે કે શોક ક્યારે ભાંગશો? હું કહું છું કે શોક હોય તો ભાંગેને? શોક છે જ ક્યાં? અહીં તો શ્લોક જ શ્લોક છે. વિમુખને બદલે સન્મુખ દર્શન થઈ જાય તો મૃત્યુ આપણી મા બની જાય છે અને માનું કર્તવ્ય છે કે બાળકમાં કોઈ દુર્ગણ પેદા ન થાય એની કાળજી રાખે. અને મૃત્યુ એક એવી મા છે એ જેને ચાદર ઓઢાડે છે એના બધા જ દુર્ગુણ દૂર થઈ જાય છે.
મૃત્યુ યજ્ઞ છે, મૃત્યુ હવન છે. લોકો મૃત્યુને અમંગલ માને છે, પરંતુ એ યજ્ઞનું રૂપ છે. અને સાહેબ, બીજાનું બલિદાન આપવું સહેલું છે, ખુદનો હવન કરી દેવામાં ખુદાઈ છે. એ યજ્ઞની પ્રક્રિયા છે. મૃત્યુપ્રસંગે લાડુ ખવડાવવા, પૈસા વહેંચવા એ આપણી પરંપરા ઉત્સવનો સંકેત કરે છે, પરંતુ મોતની ભયાનકતાની વાતો કરીને આપણને ડરાવવામાં આવ્યા છે. રામસ્મરણ કરે છે એ મૃત્યુથી શું કામ ડરે? અને સ્મરણ જ મરણ પર વિજયી થશે. સ્મરણ વિના મરણ પર વિજયી થવું મુશ્કેલ છે. મૃત્યુ પણ એક નવા જીવનનો શુભારંભ છે. તો જીવનના પાઠ શીખીએ. જન્મ ઉત્સવની માફક મૃત્યુનો પણ ઉત્સવ થવો જોઈએ.