- હત્યાની કોઈ જૂથ કે વ્યક્તિએ જવાબદારી લીધી નથી
- તમામ પીડિતો ઓટો રિપેર શોપના કર્મચારીઓ હતા
- ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો
ઈરાન-પાકિસ્તાન બોર્ડર પાસે અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા 9 પાકિસ્તાની લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેહરાનમાં પાકિસ્તાનના રાજદૂત મુદ્દાસિર ટીપુએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે શનિવારે ઈરાનના શહેર સરવનમાં નવ પાકિસ્તાનીઓ માર્યા ગયા હતા. એક અહેવાલ અનુસાર શનિવારે સવારે સિસ્તાન-બલુચેસ્તાન પ્રાંતના સરવન શહેરમાં એક ઘરમાં અજાણ્યા સશસ્ત્ર લોકોએ નવ બિન-ઈરાનીઓની હત્યા કરી હતી. એજન્સીએ કહ્યું કે કોઈ જૂથ કે વ્યક્તિએ જવાબદારી લીધી નથી.
મૃતદેહની તસવિરો કરી શેર
બલૂચ લોકો માટે હિમાયતી જૂથ, હલવાશે આ ફોટા ઓનલાઈન શેર કર્યા છે. આમાં પીડિતોના મૃતદેહ દેખાઈ રહ્યા છે. જેમાં વધુ ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે તેઓ પાકિસ્તાની નાગરિકો હતા અને તેમાંથી ચારની ઓળખ કરી હતી, ઉમેર્યું હતું કે તમામ પીડિતો ઓટો રિપેર શોપના કર્મચારીઓ હતા. તમને જણાવી દઈએ કે ઈરાન દ્વારા પાકિસ્તાન પર હુમલાના 12 દિવસ બાદ આ ઘટના બની છે. હકીકતમાં 16 જાન્યુઆરીની રાત્રે ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો.
પાકિસ્તાન – ઇરાન વચ્ચે તણાવ
માત્ર એક દિવસ પછી, ઈરાની હુમલાના જવાબમાં, પાકિસ્તાને ઈરાનની અંદર 48 કિમી અંદર હવાઈ હુમલો કર્યો. આ હુમલો સરવાન શહેરમાં થયો હતો. આ દરમિયાન, બંને દેશો વચ્ચેના મડાગાંઠને ઉકેલવા માટે, ઈરાનના વિદેશ પ્રધાન હુસૈન અમીર-અબ્દુલ્લાહિયન તેમના પાકિસ્તાની સમકક્ષ જલીલ અબ્બાસ જિલાનીના આમંત્રણ પર રવિવારે ઈસ્લામાબાદ પહોંચશે.


