- સિવિલની કિડની હોસ્પિટલની ઘટના, પોલીસની દોડધામ
- સમજાવટને અંતે પરિવારે બાળકનો મૃતદેહ સ્વીકાર્યો
- ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લીવરની બીમારીના કેસ વધી રહ્યા છે
અસારવા સિવિલ હોસ્પિટલની કિડની હોસ્પિટલમાં લીવરની બીમારીની સારવાર દરમિયાન એકથી દોઢ વર્ષના શાહપુર વિસ્તારના આરવ પરમાર નામના બાળકનું મોત થયું છે. બાળકના મોતને પગલે પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. સિવિલની કિડની હોસ્પિટલમાં હોબાળો મચતાં પોલીસ તાબડતોબ દોડી આવી હતી, જોકે સમજાવટને અંતે પરિવારે રાતે બાળકનો મૃતદેહ સ્વીકાર્યો હતો.
હોસ્પિટલ અને પોલીસ સૂત્રો કહે છે કે, લીવરની બીમારીની સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. જેના કારણે દર્દીના સગાએ હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ મૂકી હોબાળો મચાવ્યો હતો, જેને પગલે તબીબો અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલમાં તાત્કાલિક પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે સમજાવટ કરતાં પરિજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, સિવિલની કિડની હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 600 જેટલા દર્દીમાંથી 370 જેટલા દર્દીનાં મોત થયાં હતા. ઈમરજન્સીમાં જ 36 ટકા જેટલા દર્દીઓનાં મોત થયા હોવાનો અગાઉ એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લીવરની બીમારીના કેસ વધી રહ્યા છે.


