આટકોટની 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસ
ઘટનાના 43મા દિવસે આરોપીને સજા : રાજકોટની સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામે 4 ડિસેમ્બર, 2025ના રોજ બનેલી અત્યંત ક્રૂર, અમાનવીય અને સમગ્ર સમાજને ઝંકારી નાખે તેવી બાળ દુષ્કર્મની ઘટનામાં અંતે ન્યાયની જીત થઈ છે. માત્ર 43 દિવસમાં તપાસ પૂર્ણ કરી, ટ્રાયલ ચલાવી અને આરોપીને ફાંસીની સજા સંભળાવતાં રાજકોટની સ્પેશિયલ કોર્ટે ન્યાય પ્રણાલીમાં એક મિસાલ સ્થાપી છે. 7 વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા જઘન્ય અપરાધમાં કોર્ટે આ ગુનાને “રેસ્ટ ઓફ રેર” ગણાવી આરોપીને મરણદંડ ફટકાર્યો છે. આ કેસ માત્ર એક પરિવારની પીડા નહીં પરંતુ સમગ્ર સમાજની આત્માને હચમચાવી દે તેવી ઘટના હતી. બાળકીની નિર્દોષતા, આરોપીની ક્રૂરતા અને ઝડપી ન્યાય, આ ત્રણેય મુદ્દાઓને કેન્દ્રમાં રાખી કોર્ટનો ચુકાદો આવ્યો છે.
4 ડિસેમ્બર, 2025ના રોજ બપોરના આશરે 12 વાગ્યે રાજકોટ જિલ્લાના આટકોટ નજીક આવેલા કાનપર ગામની સીમમાં ભોગ બનનાર 7 વર્ષની બાળકી પોતાના ભાઈ-બહેનો સાથે ખેતમજૂરની વાડીમાં રમતી હતી. આ દરમિયાન આરોપી મોટરસાયકલ પર ત્યાં આવ્યો અને બાળકીને લાલચ આપી નજીકની ઝાડી તરફ લઈ ગયો.
ઝાડીની આડમાં આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને તેની હેવાનિયત અહીં અટકી નહીં. આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં અંદાજે પાંચ ઇંચનો લોખંડનો સળીયો ઘૂસાડી ગંભીર ઈજા પહોંચાડી હતી. માસૂમ બાળકી લોહીલુહાણ હાલતમાં દર્દથી ચીસો પાડી રહી હતી, પરંતુ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.
બાળકીની ચીસો સાંભળી નજીકના રૂમમાં રહેલી તેની મામી દોડી આવી હતી. મામી આવતા જ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બાળકીની હાલત જોઈને પરિવારજનોમાં હાહાકાર મચી ગયો હતો. ગુપ્તાંગમાંથી ભારે રક્તસ્ત્રાવ થતો હતો અને બાળકી અચેત હાલતમાં હતી.
પરિવારજનો તાત્કાલિક બાળકીના પિતા અને મામીના પતિને બોલાવી તેને એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર માટે કાનપર ગામના જાહેર દવાખાને લઈ જવામાં આવી હતી. જોકે ત્યાંથી ડોક્ટરોએ હાલત ગંભીર હોવાનું જણાવી તાત્કાલિક વધુ સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલમાં રીફર કરી હતી. જસદણ હોસ્પિટલમાં પણ બાળકીની હાલત અતિ ગંભીર હોવાથી તેને વધુ ઉચ્ચ સારવાર માટે રાત્રિના આશરે 9 વાગ્યે રાજકોટ જનાના હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં રેડિયોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટની ટીમ દ્વારા તપાસ કર્યા બાદ ઓપરેશન શક્ય છે કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અતિશય રક્તસ્ત્રાવ અને ગંભીર ઈજાઓ છતાં સમયસર સારવાર અને તબીબી ટીમની મહેનતથી બાળકીનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર સમયગાળા દરમિયાન પરિવારજનો સતત પ્રાર્થના કરતા રહ્યા હતા.
બાળકીના પિતાએ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પ્રારંભિક તબક્કે આરોપીને કોઈએ ઓળખ્યો ન હોવાથી પોલીસ માટે કેસ પડકારરૂપ બન્યો હતો. ઘટનાસ્થળે તપાસ શરૂ કરવામાં આવી અને તમામ શક્ય દિશામાં તપાસ હાથ ધરાઈ હતી.આસપાસના વિસ્તારોમાંથી માહિતી એકત્ર કરી, ગામમાં આવન-જાવન કરનાર લોકોની પૂછપરછ શરૂ કરી અને ટેકનિકલ તપાસ પણ હાથ ધરી. તપાસ દરમિયાન મળેલી માહિતી અને શંકાના આધારે પોલીસે 8 ડિસેમ્બર, 2025ના રોજ આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીએ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા. તેણે કાનપર ગામની સીમમાં એક ઝાડ નીચે છુપાવી રાખેલો લોખંડનો સળીયો પોલીસને બતાવી આપ્યો હતો. આ સળીયો લોહીથી ખરડાયેલો હતો, જે મહત્વપૂર્ણ પુરાવો સાબિત થયો.
બનાવ સ્થળે FSL અધિકારીઓને બોલાવી તપાસ કરાવવામાં આવી હતી. ઘટનાસ્થળેથી આરોપીના માથાના વાળ મળી આવ્યા હતા. આ વાળ અને લોખંડના સળીયાને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. DNA પરીક્ષણના અહેવાલમાં માથાના વાળ આરોપીના હોવાનું અને લોખંડના સળીયા પરનું લોહી ભોગ બનનાર બાળકીનું હોવાનું સ્પષ્ટ થયું હતું. આ વૈજ્ઞાનિક પુરાવાઓએ કેસને અદાલતમાં અત્યંત મજબૂત બનાવી દીધો હતો.
પોલીસે આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરી તેની કોલ ડીટેઈલ રેકોર્ડ (CDR) મેળવી હતી. તેમાં આરોપીની હાજરી ઘટનાના સમયગાળા દરમિયાન કાનપર ગામના વિસ્તારમાં હોવાનું સાબિત થયું હતું. તપાસ પૂર્ણ થયા બાદ તપાસનીશ અધિકારીએ માત્ર 11 દિવસમાં સમગ્ર તપાસ પૂર્ણ કરી આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ દરમિયાન બાળકીના પિતાએ કોર્ટમાં પત્ર લખી તાત્કાલિક ટ્રાયલ અને કડક સજા આપવા અપીલ કરી હતી.
સ્પેશિયલ કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને લઈ દિનપ્રતિદિન સુનાવણી હાથ ધરી હતી. માત્ર 35 દિવસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. બાદમાં સજાના મુદ્દે સુનાવણી રાખવામાં આવી હતી. 15 જાન્યુઆરીએ સજાનું એલાન થવાનું હતું, પરંતુ તારીખ 17 જાન્યુઆરી રાખવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસ જ્યારે આરોપીને તેના ઘર નજીક લઈ ગઈ હતી ત્યારે આરોપીએ અચાનક લોખંડના ધારિયા વડે પોલીસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મી ધર્મેશ બાવળિયાને ઈજા પહોંચી હતી. આરોપી અંધારાનો લાભ લઈને ફરાર ન થાય તે માટે પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. બાદમાં તેને સારવાર આપવામાં આવી હતી.
કોર્ટમાં સજા સંભળાવતાં પહેલાં આરોપીએ કણસતા અવાજે કહ્યું હતું કે, “મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં.” જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ ગુનો માફી લાયક નથી. આખરે 43મા દિવસે સ્પેશિયલ કોર્ટના જજ વી.એ. રાણાએ આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, માસૂમ બાળકી સાથે કરાયેલ આ ગુનો સમાજના અંતરાત્માને હચમચાવી દે તેવો છે અને આ રેસ્ટ ઓફ રેર કેસ છે.
સમાજ માટે કડક સંદેશ : બાળ દુષ્કર્મ સામે ઝીરો ટોલરન્સ
આ ચુકાદાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બાળ દુષ્કર્મ જેવી ઘટનાઓમાં કોઈ દયા નહીં રાખવામાં આવે. ઝડપી તપાસ, વૈજ્ઞાનિક પુરાવા અને ત્વરિત ટ્રાયલ થકી ન્યાય કેવી રીતે શક્ય છે તેનું આ જીવંત ઉદાહરણ બન્યું છે.
ન્યાયની જીત, પરંતુ ઘાવ હજુ તાજા માસૂમના જીવનની લાંબી લડાઈ
જ્યાં એક તરફ કોર્ટના ચુકાદાથી ન્યાય મળ્યો છે, ત્યાં બીજી તરફ બાળકી અને તેના પરિવાર માટે આ ઘટનાના માનસિક અને શારીરિક ઘાવ લાંબા સમય સુધી રહેવાના છે. સમાજની ફરજ છે કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સચેત રહે. આટકોટની નિર્ભયાને મળેલો ન્યાય માત્ર એક ચુકાદો નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી અને આશા બંને છે.


