- તડકામાં કામ કરતા લોકો મોટી સંખ્યામાં નોન-મેલેનોમા સ્કિન કેન્સરનો ભોગ
- 19,000 લોકો તડકામાં કામ કરવાના કારણે કેન્સર બાદ મોતને ભેટયા
- નોન-મેલેનોમા કેન્સરની ઓળખ ખૂબ વિલંબથી થાય છે
ખુલ્લા તડકામાં કામ કરતાં લોકો મોટી સંખ્યામાં નોન મેલેનોમા સ્કિન કેન્સરનો શિકાર બની રહ્યા છે. એટલું જ નહીં નોન-મેલેનોમા સ્કિન કેન્સરથી થનારા કુલ મોતના લગભગ એક તૃતિયાંશ લોકોના મોત સતત ખુલ્લા તડકામાં રહેવાના કારણે થયાં હતાં. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબ્લ્યૂએચઓ) અને આંતરરાષ્ટ્રીય શ્રામ સંગઠન(આઈએલઓ)ના સંયુક્ત રિપોર્ટમાં તેની સ્પષ્ટતા કરવામાં આવી છે, જે જર્નલ એન્વાયરોનમેન્ટ ઇન્યટરનેશનલમાં પ્રસિદ્ધ થયો હતો. અભ્યાસના પરિણામો દર્શાવે છે કે 2019માં લગભગ 160 કરોડ લોકો ખુલ્લામાં કામ કરવા સમયે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનના સંપર્કમાં આવ્યા હતાં. આ લોકોની વય 15 વર્ષ કે તેથી વધારે હતી. તેઓ વિશ્વમાં કામ કરવા યોગ્ય વસતીના લગભગ 28.4 ટકા છે. રિપોર્ટ અનુસાર 2019માં 183 દેશોના લગભગ 19,000 લોકો તડકામાં કામ કરવાના કારણે નોન-મેલેનોમા સ્કીન કેન્સરનો ભોગ બનીને માર્યા ગયાં હતાં.
નોન-મેલેનોમા સ્કિન કેન્સર શું છે?
નોન-મેલેનોમા સ્કીન કેન્સર કેન્સરના એક વિશેષ સમૂહને સંદર્ભિત કરે છે જે ત્વચાની ઉપરના સ્તરમાં વિકસિત થાય છે. આ કેન્સરના બે મુખ્ય પ્રકાર છે. બેસલ સેલ કાર્સિનોમા અને સ્ક્વેમસ સેલ કાર્સિનોમા છે. આ પ્રકારનું ચામડીનું કેન્સર એક મજબૂત લાલ ગાંઠ અને શુષ્ક વૃદ્ધિના રૂપમાં શરૂ થાય છે અને તેમાંથી લોહી વહે છે. તે પછી એક એવો ઘા બની જાય છે જે સાજો થતો નથી. આ પ્રકારનું ચામડીનું કેન્સર અને તેના કેટલાક પ્રકારો કેટલાક મહિના અથવા તેના કરતાં પણ વધારે સમયમાં વધે છે. જ્યારે નોન-મેલેનોમા કેન્સરની ઓળખ ખૂબ વિલંબથી થાય છે.
તમામ કેન્સરોમાં ચામડીનું કેન્સર સૌથી વધારે સામાન્ય
40 ટકા કેસીસ નોન મેલેનોમા કેન્સરના રિપોર્ટ અનુસાર ચામડીનું કેન્સર તમામ કેન્સરમાં સૌથી સામાન્ય છે. વૈશ્વિક સ્તર પર કેન્સરના ઓછામાં ઓછા 40 ટકા કેસીસ તેના માટે જવાબદાર છે. તે પ્રતિ વર્ષ ઓછામાં ઓછા 20થી 30 લાખ લોકોમાં હોય છે. અને આ ભય ફક્ત કામદારો પૂરતો જ સીમિત નથી. ખેડૂતો, ટ્રાફિક પોલીસ, ડિલિવરી બોય, અન્ય ફિલ્ડ વર્કર્સ પણ આ ભયના ઓથાર હેઠળ આવે છે. 2000થી 2019 વચ્ચે ચામડીના કેન્સરના કારણે મોતને ભેટતાં લોકોની સંખ્યા બમણી થઇ ગઇ હતી. 2000માં 10,088 મૃત્યુ નોંધાયા હતાં ત્યારે 2019માં મોતનો આંકડો 18,960 પર પહોંચી ગયો હતો.