- વર્ષના અંત સુધીમાં આંગણવાડીઓમાં સાધનો મૂકવા તાકીદ
- મહિનામાં એક વાર વોર્ડ કમિટીની બેઠક યોજવા 5ણ સૂચના
- DYMC દ્વારા બ્રીફિંગ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવાની સૂચના
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા તમામ સિવિક સેન્ટરો સવારે 9 30થી સાંજે 7-00 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMCની સાતેય ઝોનલ ઓફિસ સહિત વિવિધ વિસ્તારોમાં 58 જેટલા સિવિક સેન્ટરો આવેલા છે અને આ સિવિક સેન્ટરો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ બનાવવા, રોડ રીસરફેસ કરવાની કામગીરી ચાલી રહી છે અને તા. 31 ડિસેમ્બર સુધીમાં 85 રોડના કામ પૂરા થશે. AMC દ્વારા કોન્ટ્રાક્ટથી આપવામાં આવેલા ‘પે એન્ડ પાર્કિંગ’માં વાહનો મૂકવા માટેના ભાડાની વિગતો, કોન્ટ્રાક્ટરનું નામ, મોબાઈલ નંબર, વગેરે માહિતી દર્શાવતા બોર્ડ ફરજિયાતપણે મૂકવાની તાકીદ કરવામાં આવી છે. શહેરના દરેક વોર્ડમાં મહિનામાં એકવાર વોર્ડ કમિટીની બેઠક યોજવા અને DYMC દ્વારા તેનું મોનિટરિંગ કરીને તે અંગેનું બ્રીફિંગ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવાની સૂચના અપાઈ છે. આંગણવાડીઓમાં બાળકોની સગવડતા માટે પાથરણાં સહિત જરૂરી સાધનો મૂકવા સૂચના અપાઈ છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાણીએ જણાવ્યું હતું કે, નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ ભરવા, જન્મ- મરણ, ગુમાસ્તાધારા, વગેરે સર્ટિફિકેટ મેળવવા સહિતની સુવિધાઓ સિવિક સેન્ટરો ખાતેથી આપવામાં આવે છે. ઝોનલ ઓફિસોમાં આવેલ સિવિક સેન્ટરો સાંજે 7 સુધી ખુલ્લા રહે છે. જ્યારે અન્ય વિસ્તારોમાં આવેલા સિવિક સેન્ટરો સાંજે 4-30 પછી બંધ થઈ જતા હોવાને કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો અને રજુઆતોને ધ્યાનમાં લઈને તમા સિવિક સેન્ટર સાંજે 7-00 વાગ્યા સુધી ખુલ્લા રાખવા અને તે અંગેના બોર્ડ મૂકવાની સૂચના અપાઈ છે. શહેરમાં ચાલી રહેલા રોડના કામોનો રીવ્યુ લેવામાં આવ્યો હતો. તા.31 ડિસેમ્બર સુધીમાં 85 જેટલા રોડના કામ પૂરા થઈ જશે. શહેરમાં પાયાની સુવિધાના કામોની પ્રગતિ અંગે વોર્ડ લેવલે થતી રજૂઆતોને ધ્યાનમાં લઈને કામગીરી ઝડપી બનાવી શકાય તે હેતુસર દર મહિને વોર્ડ સમિતિની બેઠક યોજવાની તાકીદ કરાઈ છે અને આ કમિટીઓમાં થતી રજૂઆતો અંગે સ્ટેન્ડિંગ કમિટીને પણ વાકેફ કરવા સૂચના અપાઈ છે.


