– ઊંચા વ્યાજ દરની સ્થિતિથી એફડીઆઈની માત્રા પર અસર
Updated: Oct 24th, 2023
મુંબઈ : વૈશ્વિક પ્રવૃત્તિ ધીમી પડતા તથા નાણાં સ્વદેશ મોકલવાના ટ્રેન્ડસમાં વધારો થતાં વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં દેશમાં નેટ ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટસ (એફડીઆઈ) ઘટીને ૨.૯૯ અબજ ડોલર રહ્યું હતું જે ગયા વર્ષના આ ગાળામાં ૧૮.૦૩ અબજ ડોલર રહ્યું હતું. નેટ એફડીઆઈ એટલે ઈન્ફલોઝ ઓછા આઉટફલોઝ પછીની જે રકમ બચે તે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના આંકડા પ્રમાણે, એપ્રિલથી ઓગસ્ટમાં ભારતમાં કુલ ૭.૨૮ અબજ ડોલરનું એફડીઆઈ આવ્યું હતું જ્યારે ૪.૨૮ અબજ ડોલરનું એફડીઆઈ દેશની બહાર કરાયું હતું.
ભારતમાં જેમણે એફડીઆઈ મારફત રોકાણ કર્યું હતું તેવા રોકાણકારો દ્વારા રોકાણ પાછું ખેંચી લેવાનો આંક વર્તમાન નાણાં વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ૧૯.૬૩ અબજ ડોલર રહ્યો હતો જે ગયા વર્ષના આ ગાળામાં ૧૧.૪૧ અબજ ડોલર રહ્યો હતો.
અમેરિકા તથા અન્ય વિકસિત દેશોમાં ઊંચા વ્યાજ દરની સ્થિતિ લાંબા ગાળા સુધી ચાલુ રહેવાની શકયતાને જોતા ઊભરતી બજારોમાં જોખમ નહીં લેવાની માનસિકતા વધી રહી છે, એમ રિઝર્વ બેન્કે તેના રિપોર્ટમાં અગાઉ જણાવ્યું હતું. મૂડીનો પ્રવાહ અવરોધાશે.
વૈશ્વિક સ્તરે પણ એફડીઆઈ પ્રવાહ ધીમો પડી રહ્યો છે. ઊંચા વ્યાજ દરોને કારણે ઈક્વિટી બજારોમાં પ્રવૃત્તિ નબળી પડતા, વૈશ્વિક સ્તરે પણ મર્જર એન્ડ એક્વિઝિશનની પ્રવૃત્તિ દસ વર્ષની નીચી સપાટીએ જોવા મળી છે.