- તબીબી સલાહ વિના આડેધડ ‘સેલ્ફ મેડિકેશન’નું વધેલું પ્રમાણ જવાબદાર
- ડોલો, એમોક્સિસિલિન સહિતની દવાઓ ચણા-મમરાની જેમ લેવાય છે
- બાળકોમાં દવાઓની અસરકારકતામાં 50 ટકા જેટલો ઘટાડો
બાળકોમાં મગજનો તાવ, ન્યુમોનિયા, સામાન્ય ચેપ વગેરેમાં એન્ટિબાયોટિક્સ દવાઓ અપાતી હોય છે, જોકે ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, બાળકોમાં દવાઓની અસરકારકતામાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે, જેની પાછળનું કારણ એ સામે આવ્યું છે કે, એન્ટિમેક્રોબાયલ રેસિસ્ટન્સને કારણે દવાની અસર ઓછી થઈ રહી છે એટલે કે એન્ટી બાયોટિકનો વપરાશ વધી રહ્યો છે, આ ઉપરાંત માતા- પિતા ડોક્ટરોની સલાહ વિના જ બાળકોને દવાનો ડોઝ આપતાં હોય છે, જેને કારણે સમય જતાં અન્ય દવાઓની અસર ઓછી થતી રહે છે. આ બાબત એક રિપોર્ટમાં પણ સામે આવી હોવાનું તબીબો કહે છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી વાયરલ ફલૂના કેસોમાં જંગી વધારો થયો છે, સામાન્ય રીતે ઓપીડીમાં પુખ્ત વયના દર્દીઓ નોંધાય છે તેમાંથી 10 ટકા જેટલાને દાખલ કરીને સારવાર આપવી પડે છે, જોકે બાળકોની ઓપીડીમાં જે બાળ દર્દી નોંધાય છે તે પૈકી 25થી 30 ટકા જેટલાને દાખલ કરીને સારવાર આપવી પડે છે. અમદાવાદની સરકારી સોલા સિવિલ હોસ્પિટલમાં જ 15 દિવસના અરસામાં 2700 જેટલા તાવ, ખાંસી સહિતની વાયરલ ઈન્ફેક્શનના કેસ નોંધાયા હતા. તબીબો કહે છે કે, બાળકોમાં વાયરલ ફલૂના કેસમાં વધારો થયો છે તો બીજી બાજુ એન્ટીબાયોટિક્સ દવાઓની અસરકારકતા 50 ટકા જેટલી ઘટી છે, જે ચિંતાનો વિષય કહી શકાય. ખાનગી હોસ્પિટલોમાં છેલ્લા એક મહિનામાં બાળકોમાં હાઈગ્રેડ ફિવર અને કફ કોલ્ડના કેસોમાં 40થી 55 ટકા જેટલા વધ્યા છે. આવા કિસ્સામાં ડોક્ટરની સલાહ વિના દવા લેવી નહીં.


