- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે ડીપફેક વીડિયો મુદ્દે બેઠક યોજાશે
- કેન્દ્ર સરકાર ડીપફેક વીડિયો મુદ્દે મોટા પગલાં લેવાની તૈયારી કરી રહી છે
- કેન્દ્રીય આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ અંગેની જાણકારી આપી
કેન્દ્રની મોદી સરકાર ડીપફેક વીડિયો મુદ્દે મોટા પગલાં લેવાની તૈયારી કરી રહી છે. ડીપફેક વીડિયો મુદ્દે સરકાર ટૂંકસમયમાં વિવિધ સોશિયલ મીડિયા પ્સેટફોર્મ સાથે બેઠક યોજી શકે છે. કેન્દ્રીય આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ અંગેની જાણકારી આપતાં કહ્યું હતું કે સરકાર ટૂંકસમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે ડીપફેક વીડિયો મુદ્દે બેઠક યોજશે. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે પ્લેટફોર્મ્સ આ સંબંધે પૂરતા પગલાં નહીં લે તો આઈટી અધિનિયમના સેફ હાર્બર ખંડ હેઠળ મળતું કાયદેસરનું સંરક્ષણ નહીં મળે.
વીડિયોમાં કોઈકના ચહેરા કે શરીરમાં ડિજિટલી ફેરફાર કરવાની પ્રવૃત્તિને ડીપફેક કહેવામાં આવે છે. મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) થકી બનેલા વીડિયોને કોઈને પણ છેતરી શકે છે. વૈષ્ણવે પત્રકારોને જણાવ્યું કે ડીપફેક મુદ્દે તાજેતરમાં કંપનીઓ મને નોટિસ પાઠવવામાં આવી હતી અને તેમના જવાબ પણ આવી ગયા છે. પરંતુ કંપનીઓએ આવા ડીપફેક વીડિયો સામે વધુ આક્રમકતાથી પગલાં લેવાની જરૂર છે.
વૈષ્ણવે કહ્યું કે હાલમાં આવા પગલાં તો લઈ રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં બીજા પગલાં લેવાની જરૂર પણ પડી શકે છે. ત્રણ-ચાર દિવસમાં જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે બેઠક યોજાશે. બેઠકમાં કંપનીઓને તેઓ ડીપફેક રોકવા પૂરતા પ્રયાસ કરે અને તંત્રવ્યવસ્થાને સુધારે તેમ સમજાવવામાં આવશે.
ગૂગલ જેવી મોટી કંપનીઓને બેઠકમાં બોલાવવામાં આવશે કે કેમ ? તે મુદ્દે પ્રશ્ન કરવામાં આવતાં વૈષ્ણવે હકારાત્મક જવાબ આપ્યો હતો. વૈષ્ણવે સ્પષ્ટતા કરી કે આઈટી અધિનિયમ હેઠળ સોશિયલ મીડિયા મંચોને જે સુરક્ષિત હાર્બર સુરક્ષા પ્રાપ્ત થાય છે . પરંતુ કંપનીઓ જ્યાં સુધી ડીપફેક વીડિયો સામે પૂરતી કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તેમને આ સુરક્ષા પ્રાપ્ત નહીં થાય.