- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ
- ભારતે પ્રથમ બેટિંગ કરતા બનાવ્યા 428 રન
- ઈંગ્લિશ ટીમ માત્ર 136 રનમાં ઓલઆઉટ
ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચેની ટેસ્ટ મેચ ચાલી રહી છે. અહીં બેટિંગમાં કમાલ કર્યા બાદ ભારતીય મહિલા ટીમના ખેલાડીઓએ બોલિંગમાં પણ કમાલ કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 428 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં ઈંગ્લિશ ટીમ માત્ર 136 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. આ સાથે ભારતીય ટીમે પ્રથમ ઈનિંગ્સના આધારે 292 રનની જંગી લીડ મેળવી છે.
ભારત સામે ઈંગ્લેન્ડ ઘુંટણીએ
ઈંગ્લિશ મહિલા ટીમ માટે પ્રથમ ઇનિંગ્સમાં ચોથા નંબર પર બેટિંગ કરતી નતાલી સીઅર ભારતીય બોલરોનો સામનો કરી શકી હતી. તેની ટીમ માટે ચોથા ક્રમમાં બેટિંગ કરતી વખતે તેણે કુલ 70 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન, તે 84.28 ના સ્ટ્રાઇક રેટથી અણનમ 59 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેમના સિવાય, ડેની વાયટે ટીમ માટેના પાંચમાં ક્રમે બેટિંગ કરતા 24 બોલમાં 19 રનનો ફાળો આપ્યો હતો.
દીપ્તિ શર્માનો પંજો
દીપ્તિ શર્માએ બેટિંગમાં ચમક્યા બાદ પછી પણ બોલિંગમાં કમાલ કર્યો છે. તેણે ટીમ માટે પ્રથમ ઇનિંગ્સમાં કુલ 5.3 ઓવર બોલિંગ કરી હતી. આ દરમિયાન, 1.27 ની ઈકોનોમીથી માત્ર સાત રન ખર્ચ કરીને, તેણે 5 ખેલાડીઓને પેલેવિયનનો રસ્તો બતાવ્યો હતો. જ્યારે દીપતી શર્મા સિવાય, સ્નેહ રાણાએ ટીમ માટે બે સફળતા પ્રાપ્ત કરવામાં સફળ રહી છે, જ્યારે રેણુકા સિંહ અને પૂજા વસ્ત્રકારને અનુક્રમે 1-1 સફળતા મળી છે.
ભારતીય મહિલા ટીમે પ્રથમ ઈનિંગ્સમાં 428 રન બનાવ્યા
અગાઉ, ભારતીય મહિલા ટીમે ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને 428 રન બનાવ્યા હતા. ચાર ખેલાડીઓએ ફિફટી ફટકારી હતી. તેમાં સતીશ શુભા (69), જેમિમા રોડ્રિગ્સ (68), યસ્તિકા ભાટિયા (66) અને દીપ્તિ શર્મા (67) ના નામ શામેલ છે.


