- દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ
- પર્યાવરણમંત્રીએ યોજી હતી સમીક્ષા બેઠક
- ટાસ્ક ફોર્સની કરવામાં આવી રચના
દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ દયનીય છે. જે ધ્યાને રાખીને ગ્રિડ રિસ્પોન્સ એક્શન પ્લાન લાગુ કરવામાં આવ્યો છે. એવામાં ગ્રેપ-4 હેઠળ કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. જે માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. પર્યાવરણ વિભાગના વિશેષ સચિવ આ ટાસ્ક ફોર્સની આગેવાની કરશે. આજે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પ્રદૂષણને લઈને સમીક્ષા બેઠક યોજી હતી, ત્યારબાદ આ માહિતી આપવામાં આવી હતી.
સ્પેશિયલ ટાસ્કમાં કોનો સમાવેશ ?
સ્પેશિયલ ટાસ્ક ફોર્સના અન્ય પાંચ સભ્યો સ્પેશિયલ ટ્રાન્સપોર્ટ કમિશનર, ડીસીપી ટ્રાફિક (મુખ્ય મથક), ડીસી રેવન્યુ (મુખ્ય મથક), ચીફ એન્જિનિયર એમસીડી અને ચીફ એન્જિનિયર પીડબ્લ્યુડીનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે 3 નવેમ્બરથી અત્યાર સુધીમાં દિલ્હીમાં 19 હજારથી વધુ પ્રદૂષણ ફેલાવતા વાહનોના ચલણ ફાડવામાં આવ્યા છે. 3 થી 15 નવેમ્બરની વચ્ચે 754 ઓવરલોડ વાહનોના ચલણ કાપવામાં આવ્યા હતા તેમજ બોર્ડર પરથી જ 6046 ટ્રકો પરત આવી હતી. દિલ્હીની સરહદમાં ઘૂસેલા 1,316 ટ્રકો સામે ચલણ જારી કરવામાં આવ્યા હતા.
ધડાધડ કપાઇ રહ્યા છે ચલણ
દિલ્હી સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન 16,689 BS-3 અને BS-IV વાહનોના ચલણ જારી કરવામાં આવ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનારા દરેક વાહન પાસેથી 20,000 રૂપિયા ચલણ તરીકે વસૂલવામાં આવ્યા હતા. વાહનોના પ્રદૂષણ ચેકિંગ હેઠળ 3 નવેમ્બરથી અત્યાર સુધીમાં 19,227 PUC ચલણ જારી કરવામાં આવ્યા છે.
નાની નાની ભઠ્ઠીઓ પર પણ કાર્યવાહી
એન્ટી ઓપન બર્નિંગ અભિયાન હેઠળ 611 ટીમો કામ કરી રહી છે. અત્યાર સુધીમાં 154 ચલણ કાપવામાં આવ્યા છે. 3.95 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને 929 નાની નાની ભઠ્ઠીઓ તોડી પાડવામાં આવી છે. પાટનગરમાં બાંધકામ તોડવાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે 581 ટીમ કાર્યરત છે. GRAPના નિયમો હેઠળ, 3895 બાંધકામ સાઇટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાંથી 921 ચલણ કાપવામાં આવ્યા છે અને 1.85 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં 2573 એકર ખેતરોમાં મફત બાયો ડીકમ્પોઝરનો છંટકાવ કરવામાં આવ્યો છે.