દિલ્હીમાં 15 વર્ષ જુની પેટ્રોલ અને 10 વર્ષ જુની ડીઝલ ગાડીઓ પર પ્રતિબંધ લગાવવાની યોજનાને સરકારે હાલ પૂરતી ટાળી દીધી છે, હવે આ નિયમ આ વર્ષે 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે. તેની સાથે જ 15 વર્ષ જુના વાહનો પર દિલ્હીની સાથે જ NCRના 5 જિલ્લામાં પણ આ નિયમ લાગુ પડશે. છેલ્લા કેટલાક દિવસમાં કડકાઈથી નિયમ લાગુ કર્યા બાદ દિલ્હી સરકારે તેને પરત ખેંચ્યો હતો.
CAQMની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો
જો કે આજે CAQMની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી સરકાર દ્વારા 1 જુલાઈથી EOL વાહનોને ઈંધણ નહીં આપવાના નિર્ણયની સમીક્ષા કરવા માટેની ભલામણ કર્યા બાદ આજે આયોગની બેઠક મળી, જેમાં આયોગે નિર્ણય લીધો કે 1 નવેમ્બરથી દિલ્હી અને NCRના જિલ્લામાં પણ એક સાથે ઈંધણ પ્રતિબંધ લાગુ કરવું યોગ્ય રહેશે. દિલ્હી સિવાય EOL વાહનો માટે આ પ્રકારની યોજના 1 નવેમ્બરથી ગુરૂગ્રામ, ફરીદાવાદ, નોઈડા, ગાજિયાબાદ અને સોનીપતમાં પણ લાગુ કરવામાં આવશે.
મધ્યમ વર્ગને પડશે મોટો ફટકો
જુની ડીઝલ ગાડીઓ પર પ્રતિબંધ લગાવવાની યોજનાને લઈ ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાએ દિલ્હીના મુખ્યપ્રધાન રેખા ગુપ્તાને પત્ર લખતા આ નિર્ણય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમને કહ્યું હતું કે દિલ્હી આવા કોઈ પણ પ્રકારના પ્રતિબંધ માટે તૈયાર નથી અને તેને સામાન્ય લોકો, ખાસ કરીને મધ્યમ વર્ગને ભારે નુકસાન થશે. LGએ લખ્યું કે આ નિર્ણય સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ યોગ્ય નથી. મધ્યમ વર્ગ પોતાની જીવનભરની કમાણીથી ગાડી ખરીદે છે અને આ રીતે વાહનને અચાનક જ અમાન્ય જાહેર કરવું યોગ્ય નથી. આ આદેશ સ્થગિત કરવામાં આવવો જોઈએ.