- રાજધાની દિલ્હીમાં 20-21 નવેમ્બરે કરવામાં આવશે કૃત્રિમ વરસાદ
- કૃત્રિમ વરસાદ પહેલા સરકારે લીધો પાયલોટ સ્ટડી કરવાનો નિર્ણય
- મુખ્ય સચિવને કોર્ટમાં એફિડેવિટ દ્વારા દરખાસ્ત રજૂ કરવા સૂચના આપી
દિલ્હી-એનસીઆર છેલ્લા કેટલાંક દિવસોથી ગંભીર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. લોકો ઝેરી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારે કૃત્રિમ વરસાદ કરાવવાની તૈયારી કરી લીધી છે. 20 અને 21 નવેમ્બરની આસપાસ રાજધાની દિલ્હીમાં કૃત્રિમ વરસાદ કરવામાં આવશે. પરંતુ, આ પહેલા સરકારે એક પાયલોટ સ્ટડી કરવાનો નિર્ણય લીધો છે જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
દિલ્હીની સરકાર બે તબક્કામાં હાથ ધરવામાં આવનાર કૃત્રિમ વરસાદના પ્રાયોગિક અભ્યાસ માટે રૂ. 13 કરોડનો ખર્ચ ઉઠાવવા સહમત થઈ ગઈ છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા દિલ્હીના મુખ્ય સચિવને કોર્ટમાં એફિડેવિટ દ્વારા દરખાસ્ત રજૂ કરવા સૂચના આપી છે.
મુખ્ય સચિવને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ 15 નવેમ્બર સુધીમાં કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી જરૂરી મંજૂરીઓ આપવા માટે કોર્ટને જણાવે જેથી કરીને 20 અને 21 નવેમ્બરે કૃત્રિમ વરસાદના પ્રથમ તબક્કાનો પ્રાયોગિક અભ્યાસ હાથ ધરવામાં આવે.
દિલ્હી સરકાર IIT કાનપુરના સહયોગથી મહત્વાકાંક્ષી કૃત્રિમ વરસાદ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. 20-21 નવેમ્બરની આસપાસ દિલ્હીમાં કૃત્રિમ વરસાદ થઈ શકે છે. આ સંદર્ભમાં દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાની યોજના રજૂ કરશે અને કેન્દ્ર સરકારને આમાં સહયોગ આપવા માટે વિનંતી કરશે. જો સુપ્રીમ કોર્ટ તરફથી આદેશ મળે છે, તો IIT કાનપુર 20-21 નવેમ્બરની આસપાસ દિલ્હીમાં કૃત્રિમ વરસાદનો પહેલો પાયલોટ પ્રોજેક્ટ કરી શકે છે.
પર્યાવરણ મંત્રી ગોપાલ રાયના જણાવ્યા અનુસાર, IIT કાનપુરનું કહેવું છે કે આ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછા 40 ટકા વાદળો જરૂરી છે. આનાથી ઓછા વાદળો પર વરસાદ થઈ શકે નહીં. જો આકાશમાં 40 ટકા વાદળો હોય તો તે વરસાદ કરી શકે છે. IIT કાનપુરનું અનુમાન છે કે 20-21 નવેમ્બરની આસપાસ દિલ્હીમાં વાદળો આવવાની શક્યતા છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય, મહેસૂલ મંત્રી આતિશી અને અન્ય અધિકારીઓએ બુધવારે IIT કાનપુરના નિષ્ણાતો સાથે કૃત્રિમ વરસાદને લઈને મહત્વપૂર્ણ બેઠક કરી હતી.
20-21 નવેમ્બરે જ કેમ થશે પ્રયાસ?
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પણ IIT કાનપુરના વૈજ્ઞાનિકો સાથે બેઠક કરી છે. જેમણે તેમને કહ્યું કે વાદળો કે વાતાવરણમાં ભેજ હોય ત્યારે જ ક્લાઉડ સીડિંગનો પ્રયાસ કરી શકાય છે. ગોપાલ રાયે કહ્યું છે કે, નિષ્ણાતોનું અનુમાન છે કે આવી સ્થિતિ 20-21 નવેમ્બરની આસપાસ બની શકે છે. અમે વૈજ્ઞાનિકોને આ અંગે એક પ્રસ્તાવ તૈયાર કરવા કહ્યું છે, જે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.