- સંજયસિંહને સુપ્રિમ કોર્ટ તરફથી ઝટકો
- હાલ સંજયસિંહને વચગાળાની જામીન આપવાનો ઇન્કાર
- વધુ સુનાવણી 5 ફેબ્રુઆરીએ કરાશે
આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સંજય સિંહને હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. SC એ AAP સાંસદને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની વિગતવાર સુનાવણી માટે 5 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.
વચગાળાની રાહત આપવાનો ઇન્કાર
જસ્ટિસ સંજીવ ખન્ના અને S.N.V. ભટ્ટીની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતા સંજય સિંહને વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે નોટિસ આપી હતી અને સંજય સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર અને EDને જવાબ આપવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે AAP નેતાને અધિકારક્ષેત્ર ધરાવતી કોર્ટ સમક્ષ નિયમિત જામીન અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપી હતી.
60 પાનાની ચાર્જશીટ કરી છે દાખલ
મહત્વનું છે કે રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ એમ.કે. નાગપાલે શનિવારે AAP સાંસદ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી મુલતવી રાખી હતી અને આગામી સુનાવણી 12 ડિસેમ્બરે નક્કી કરી હતી. અગાઉ, EDએ આ કેસમાં સિંહ વિરુદ્ધ 60 પાનાની પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે તે કાવતરું, મની લોન્ડરિંગ અને આરોપીઓને મદદ કરવામાં સામેલ હતા.
સંજયસિંહ પર શું છે આરોપ ?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 4 ઓક્ટોબરે દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સંજય સિંહની ધરપકડ કરી હતી. EDએ આરોપ મૂક્યો છે કે સંજય સિંહે હવે રદ કરાયેલી એક્સાઇઝ પોલિસીની રચના અને અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેનાથી કેટલાક દારૂ ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વિક્રેતાઓને ફાયદો થયો હતો. જો કે સંજય સિંહે આ આરોપોને નકારી કાઢ્યા છે. મની લોન્ડરિંગ વિરોધી એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે આરોપી બિઝનેસમેન દિનેશ અરોરાએ રાજ્યસભાના સભ્યના ઘરે બે હપ્તામાં 2 કરોડ રૂપિયા રોકડા પહોંચાડ્યા હતા. ED અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે અરોરાએ બે વખત સિંઘના ઘરે 2 કરોડ રૂપિયા રોકડા પહોંચાડ્યા હતા. આ રોકડ ઓગસ્ટ 2021 અને એપ્રિલ 2022 વચ્ચે ડિલિવરી કરવામાં આવી હતી. જો કે સિંહે આ દાવાને નકારી કાઢ્યો છે. દિલ્હીમાં શાસન કરતી AAPએ તેના નેતાઓની ધરપકડને “રાજકીય કાવતરું” ગણાવ્યું છે. આ ઉપરાંત પૂર્વ ઉપમુખ્યમંત્રી અને AAP નેતા મનીષ સિસોદિયા બાદ સિંહની ધરપકડ આ કેસમાં બીજી મોટી ધરપકડ હતી.


