દિલ્હીમાં પ્રદૂષણ ભયંકર લેવલે પહોંચી ગયુ છે. અનેક પ્રતિબંધો લાદવા છતાં પ્રદૂષણ ઘટવાનું નામ નથી લઇ રહ્યું. ત્યારે પ્રદૂષણ થી બચવા માટે એર પ્યુરીફાયર જ એક સહારો બચ્યું છે. કારણ કે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પછી પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર સ્થિતિમાં છે.
એર પ્યુરી ફાયર અંગે હાઇકોર્ટની ટકોર
એર પ્યુરી ફાયરની મોંઘી કિંમત અને જીએસટીનો માર. આ કારણોસર એર પ્યુરીફાયર સામાન્ય નાગરિકની પહોંચમાં નથી અને આ એક લક્ઝરી પ્રોડક્ટ બનીને રહી ગઇ છે. આ મામલે વકીલ કપિલ મદને અરજી દાખલ કરી હતી.
કોર્ટે GST પર શું કહ્યું?
કોર્ટે કહ્યું કે દેશના દરેક નાગરિકને સ્વચ્છ હવાનો અધિકાર છે. જો અધિકારીઓ સ્વચ્છ હવા પૂરી પાડી રહ્યા નથી તો ઓછામાં ઓછું પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને એર પ્યુરિફાયર પરનો GST થોડા સમય માટે માફ કરવો જોઈએ. સરકાર આટલું તો કરી જ શકે છે. કોર્ટે કહ્યું કે દિલ્હી NCRમાં કટોકટી જેવી પરિસ્થિતિ છે.
GST માફ કરી દેવુ જોઇએ
કોર્ટે કહ્યું કે એર પ્યુરિફાયર પરનો GST ઓછામાં ઓછા એક અઠવાડિયા/મહિના માટે માફ કરી શકાય છે. કોર્ટે કહ્યું કે આપણે દિવસમાં 21,000 વખત શ્વાસ લઈએ છીએ અને પ્રદૂષિત હવા શ્વાસ લેવાથી કેટલું નુકસાન થાય છે? સરકારી વકીલે કહ્યું કે આ મામલો વિચારણા હેઠળ છે અને યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.
કોર્ટે નારાજગી વ્યક્ત કરતા પૂછ્યું કે, “‘ઇન ક્યોર’ નો અર્થ શું છે? જ્યારે હજારો લોકો મરી રહ્યા છે ત્યારે નિર્ણય લેવામાં કેટલો સમય લાગે છે? તમને જણાવી દઈએ કે અરજીમાં એર પ્યુરિફાયરને મેડિકલ ડિવાઇસ જાહેર કરવાની અને તેના પર લાગતા GSTને 18 ટકાથી ઘટાડીને 5 ટકા (મેડિકલ ડિવાઇસની જેમ) કરવાની માંગ કરવામાં આવી છે.


