- દિલ્હીની તમામ સરકારી, ખાનગી શાળાઓમાં આજથી ઓફલાઇન વર્ગો શરૂ થઈ જશે
- હવાની દિશા અને ગતિને કારણે દિલ્હીની વાયુ ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો
- દિલ્હીમાં સવારે સાત વાગે સરેરાશ એક્યૂઆઇ 290 નોંધાયો હતો
દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિમાં સુધાર જોવા મળ્યો છે. વાયુ ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઇ) ‘ખૂબ ખરાબ’ કક્ષામાંથી સુધરીને ‘ખરાબ’ કક્ષામાં આવી જતાં દિલ્હીવાસીઓ રાહતનો શ્વાસ લઇ રહ્યા છે. પ્રદૂષણ પર નજર રાખી રહેલી એજન્સીઓએ જણાવ્યા મુજબ હવાની દિશા અને ગતિને કારણે દિલ્હીની વાયુ ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં સવારે સાત વાગે સરેરાશ એક્યૂઆઇ 290 નોંધાયો હતો. શનિવારે દિલ્હીમાં આ સુચકાંક 319, શુક્રવારે 405 હતો. પાડોશી ગાઝિયાબાદ ખાતે સૂચકાંક 275, ગુરુગ્રામમાં 242 તો ગ્રેટર નોઇડા ખાતે 232 નોંધાયો હતો. જોકે ફરિદાબાદ ખાતે હવાની ગુણવત્તા ખૂબ ખરાબ રહી હતી. અહીં 318 સૂચકાંક નોંધાયો હતો. દિલ્હીમાં વાયુ ગુણવત્તા પ્રબંધન પંચ પ્રદૂષણનો સામનો કરવાના વ્યૂહો ઘડીને તેનો અમલ કરે છે. હવાની ગુણવત્તા સુધરતાં જારી થયેલા નવા આદેશ થકી આવશ્યક સેવામાં સામેલ ના હોય તેવા તમામ મધ્યમ અને ભારે વાહનો પરથી રાજધાનીમાં પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે. દિલ્હી સરકારની સહાયથી સંચાલિત તમામ શાળા અને ખાનગી શાળાઓમાં 20 નવેમ્બરથી ઓફલાઇન વર્ગખંડો શરૂ થશે.