- દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં
- લોકોને શ્વાસ લેવામાં થઇ રહી છે મુશ્કેલી
- સવારે 7 વાગે પણ જોવા મળે છે ધુમ્મસનું રાજ
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ દિવસ જાય તેમ વધી રહ્યુ છે. પ્રદૂષણની આ સ્થતિએ ચિંતામાં વધારો કર્યો છે. ત્યારે રાજધાનીમાં આજે પણ હવાની ગુણવત્તા અતિ ખરાબ શ્રેણીમાં જોવા મળી હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર દિલ્હીના આનંદ વિહારમાં AQI 374 નોંધાયો હતો.
અક્ષરધામ મંદિર ધુમ્મસમાં ખોવાયુ
એઈમ્સ અને સફદરજંગ હોસ્પિટલ, કાલિંદી કુંજ અને અક્ષરધામના દ્રશ્યોમાં સવારે લગભગ 7 વાગ્યે શહેર પર ધુમ્મસ છવાઈ ગયું હતું. સવારે 7 વાગ્યામાં પણ એટલુ ધુમ્મસ હતુ કે મંદિરનું શિખર પણ દેખાતુ ન હતું. આ પહેલા ગુરુવારે પણ રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ‘નબળી’ શ્રેણીમાં રહી હતી. ગુરુવારે સવારે દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 276 નોંધાયો હતો.
હવામાન વિભાગની શું છે આગાહી ?
ભારતીય હવામાન વિભાગ (IMD)એ રાષ્ટ્રીય રાજધાનીમાં 11 ડિસેમ્બર સુધી વરસાદ નહીં થવાની આગાહી કરી છે. સમગ્ર શહેરમાં સવારે હળવાથી મધ્યમ ધુમ્મસ સાથે આકાશ સ્વચ્છ રહેશે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’થી લઈને ‘ખૂબ જ નબળી’ સુધીની છે.
સંસદમાં ઉછળ્યો હતો પ્રદૂષણનો મુદ્દો
આ મામલે સંસદના શિયાળુસત્રમાં રાજ્યસભામાં દિલ્હીમાં પ્રદૂષણનો મુદ્દો ઉછળ્યો હતો. આ અંગે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે દેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા 19,711 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. અને જે ધોરણો નક્કી કરવામાં આવ્યા હતા તેને વ્યાખ્યાયિત કરવા માટે દેશના 131 શહેરોની પણ ઓળખ કરવામાં આવી હતી. આ શહેરોને ઓળખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા યોજનાઓ લાગુ કરવામાં આવી હતી, હવામાં ઝેરી ઉત્સર્જન, ખાસ કરીને PM 2.5 અને PM 10ને ધ્યાનમાં રાખીને તમામ જોગવાઈઓ કરવામાં આવી હતી. અને હું કહેવા માંગુ છું કે જે ધોરણો નક્કી કરવામાં આવ્યા હતા તે આ 131 શહેરોમાં ખૂબ જ સંતોષકારક પ્રગતિ દર્શાવે છે.


