- BU પછી આકારણીમાં વિલંબ થયાનો આક્ષેપ
- મોટા ટેક્સ બાકીદારો સામે પગલાં નહીં
- નાની રકમના બાકીદારોની દુકાનો સીલ
વડોદરામાં હરણી તળાવમાં સર્જાયેલી હોડી હોનારત પછી AMC તંત્ર સફાળું જાગ્યું હતું અને સાબરમતી નદીમાં આ પ્રકારની નાવ દુર્ઘટના ન સર્જાય તે માટે પાંચ દિવસથી બોટિંગ બંધ કરવામાં આવ્યું છે. છેલ્લાં એક વર્ષથી લાયસન્સ વિના સાબરમતી નદીમાં બોટિંગ અને કેલિકો મિલ, પ્રસાદ મિલ, સહિત બંધ મિલો, અદાણી, ગાંધી કોર્પોરેશન, વગેરે જેવા પ્રોપર્ટી ટેક્સના મોટા બાકીદારો સામે કોઈ પગલાં લેવામાં આવતા ન હોવા અને નાના બાકીદારોને પરેશાન કરવામાં આવતા હોવા મામલે AMC બોર્ડમાં વિપક્ષે પસ્તાળ પાડી હતી. સાબમરતી નદીમાં લાયસન્સ વિના બોટિંગ કરીને નાગરિકોના જીવ જોખમમાં મૂકનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની વિપક્ષે માગણી કરી હતી. AMC સ્ટોરને તાળાં મારનાર પાલડીના મહિલા કોર્પોરેટરના પતિ સામે પણ FIR કરવાની વિપક્ષે માગણી કરી હતી. AMC ઓડીટ વિભાગ દ્વારા કાઢવામાં આવેલા 5,758 ઓડિટ વાંધાનો નિકાલ કરાયો નથી અને અંદાજે રૂ. 139 કરોડના ખર્ચનો હિસાબ મળતો નથી. AMC અધિકારીઓ અને બિલ્ડરોની મિલીભગથી B.U. પરમીશન અપાયા પછી ત્રણ વર્ષ સુધી આકારણી થતી નથી તેમજ મોલ અને મલ્ટિપ્લેક્સમાં ગેરકાયદે પાર્કિંગની કમાણી પર ટેક્સ વસૂલાતો ન હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. પીરાણામાં એબેલોન અને જિંદાલ કંપનીએ કચરામાંથી વીજળી ઉત્પન્ન કરી શકી નથી અને આ કંપનીઓએ AMCની જમીન પર કબજો જમાવી દીધો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો.


