- શહેરના મોચી બજાર પાસે વેપારીઓને દરરોજ ચકમક ઝરતી હોવાની વેપારીઓની ફરિયાદ
- શહેરમાંથી લારી-પાથરણાંવાળાને રિવરફ્રન્ટ ઉપર ખસેડવાની મારી પાસે સત્તા નથી : પાલિકા પ્રમુખ
- મેઇન રોડના વેપારીઓને આ લોકોના દબાણના કારણે ભારે મુશ્કેલી પડતી
સુરેન્દ્રનગર શહેરમાં વર્ષોથી મેઇન રોડ ઉપર લારી પાથરણા વાળાના દબાણના કારણે ટ્રાફીકની ભારે સમસ્યા સર્જાઇ હતી.મેઇન રોડના વેપારીઓને આ લોકોના દબાણના કારણે ભારે મુશ્કેલી પડતી હતી. છેવટે કંટાળીને વેપારીઓની ઉગ્ર રજૂઆત બાદ પાલિકા અને શહેર પોલીસની મદદથી સતત પેટ્રોલિંગ રાખી ટ્રાફીકની સમસ્યા ઉકેલાઇ હતી. પરંતુ આ મેઇન રોડ ઉપરના લારી પાથરણા વાળામાંથી અમુક લોકો ટાંકી ચોકથી રીવરફ્રન્ટ વચ્ચે મોચી બજાર રોડ ઉપર વેપારીઓની દુકાનની આગળ ઉભા રહે છે. જેના કારણે વેપારીઓને આ લોકો સાથે દરરોજ ચકમક ઝરી ઘર્ષણ થાય છે. જેથી ઘર્ષણ અટકે અને વેપારીઓને મેઇન રોડના વેપારીઓની જેમ સમસ્યા ઉકેલાય એ માટે વેપારીઓ એકઠા થઇ પાલિકામાં રજૂઆત માટે પહોંચ્યા હતા અને મોચી બજાર રોડ ઉપર ઉભા રહેતા લારી પાથરણા વાળાને રીવરફ્રન્ટ ઉપર ખસેડવાની માંગ કરી હતી. હવે મેઇન રોડની જેમ નગરપાલિકા, કલેકટર અને પોલીસ મોચી બજારના વેપારીઓની સમસ્યા કયારે ઉકેલે છે? એની સામે સૌની નજર મંડાયેલી છે.
જાહેરનામું પડે તો જ સમસ્યાનો કાયમી ઉકેલ આવે । વેપારીઓની પહેલી મીટીંગમાં થયેલી વાતચીત મુજબ કલેકટર દ્વારા હજી સુધી રાજીનામુ પડાયુ નથી. જો જાહેરનામુ પડાય તો કાયમી ધોરણે લારી પાથરણા વાળાની બેઠક વ્યવસ્થા ગોઠવાય જાય અને રીવરફ્રન્ટનો પણ સમાવેશ થઇ જાય એટલે મેઇન રોડ તમામ વેપારીઓની ટ્રાફીકના કારણે ઉભી થતી સમસ્યા કાયમી ઉકેલાય જાય.
રિવરફ્રન્ટ ઉપર કલેક્ટર કાર્યવાહી કરી શકેઃપ્રમુખ
સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ જીગ્નાબેન પંડયાએ જણાવેલ કે મોચી શહેરના બજારમાંથી રિવરફ્રન્ટ ઉપર લારી પાથરણા વાળાને પાલિકા ખસેડી શકે નહીં. રીવરફ્રન્ટ ઉપર કલકેટર જ કાર્યવાહી કરી શકે. તેમજ જાહેરનામું પાડવાનું હજી બાકી છે.
જાહેરનામું પાડી તાત્કાલિક કાર્યવાહી કરો : વેપારીઓ
વેપારીઓએ જણાવેલ કે મોચી બજારમાં લારી પાથરણા વાળાના કારણે દરરોજ સંઘર્ષ થાય છે. જેથી આ લોકોને રીવરફ્રન્ટ ઉપર ખસેડવાની અને કલેકટરનું બાકી જાહેરનામું પાડી કાયમી સમસ્યા ઉકેલવાની અમારી માંગ છે.


