- ડેનમાર્કની મહિલા વડાપ્રધાન પર એક શખ્સે અચાનક હુમલો કર્યો
- હુમલામાં વડાપ્રધાન મેટ ફ્રેડરિકસનને કોઈ નુકસાન નહીં
- આ ઘટના બાદ વડાપ્રધાન મેટ ફ્રેડરિક્સન ડરી ગયાં
ડેનમાર્ક દેશની વડાપ્રધાન ફ્રેડરિક્સન પર કોપનહેગનમાં એક વ્યકિતએ હુમલો કરી દીધો હતો. ત્યારબાદ આરોપી વ્યકિત ઘટનાસ્થળેથી પલાયન થવામાં સફળ રહ્યો હતો. જો કે આ અંગેની જાણકારી સ્થાનિકે આપી હતી. અચાનક થયેલા હુમલાથી વડાપ્રધાન ડરી ગયાં હતાં. જો કે હુમલા પછી હાજર રહેલા સુરક્ષાકર્મીઓ વડાપ્રધાનને ઘટનાસ્થળેથી એકબાજું લઈ ગયા હતા. રાહતની વાત એ રહી કે આ હુમલામાં પીએમને કોઈ નુકસાન નહોતું થયું.
આરોપીની ધરપકડ કરી લેવામાં આવી
પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે એક વ્યક્તિને ઝડપી લેવાયો છે અને ઘટનાની તપાસ થઈ રહી છે. પરંતુ વધુ જાણકારી આપવાથી પોલીસે ઈનકાર કરી દીધો છે. જ્યારે યુરોપિયન કમિશનરે આ કૃત્યને ખરાબ ગણાવ્યું હતું.
પર્યાવરણ મંત્રીએ કહ્યું- હું આઘાતમાં છું
ડેનિશ પર્યાવરણ મંત્રીએ પણ આ ઘટના પર પોતાનો મંતવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે, આ અચાનક હુમલાથી વડાપ્રધાન આઘાતમાં છે. હુમલાએ ફ્રેડરિકસેનની નજીકના તમામ લોકોને આંચકો આપ્યો છે. તમને જણાવી દઈએ કે આ હુમલો ડેનમાર્કમાં યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં મતદાનના બે દિવસ પહેલાં થયો હતો. ત્રણ અઠવાડિયા પહેલા સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર જીવલેણ હુમલો થયો હતો. જે બાદ તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
હુમલાખોરે તેના પર પાંચ ગોળી ચલાવી હતી, જેમાંથી એક તેના પેટમાં વાગી હતી. પીએમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં તેમની સાડા ત્રણ કલાક સુધી સર્જરી ચાલી હતી. આ હુમલો ત્યારે થયો જ્યારે વડાપ્રધાન હેન્ડલોવા શહેરમાં એક સાંસ્કૃતિક હોલની બહાર ભાષણ આપી રહ્યા હતા. જો કે હાલ તેઓ ખતરાથી બહાર છે અને તબિયત એકદમ સારી છે.
ઉલ્લેખનીય છે કે, ફ્રેડરિકસન 46 વર્ષનાં છે અને તેઓ વર્ષ-2019માં વડાપ્રધાન બન્યાં હતાં. એવું કહેવાય છે કે, તેઓ ડેનમાર્કના અત્યાર સુધીની સૌથી યુવા પીએમ છે. આ પછી વર્ષ-2015માં તેમણે સોશિયલ ડેમોક્રેટ્સની જવાબદારી સંભાળી હતી.


