- મહત્ત્વના 15 વિષયની પ્રશ્નબેંક, એકમાં 500થી 1,000 પ્રશ્નોનો સમાવેશ
- રાજ્યનો કોઈપણ વિદ્યાર્થી ઊઇ કોડ સ્કેન કરી સરળતાથી નિઃશુલ્ક મેળવી શકશે
- પ્રશ્નબેંકમાં એક વિષયમાં અંદાજે 1 હજાર જેટલા પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ધો.10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં તેમજ અભ્યાસ ક્રમમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. આથી નવા માળખા મુજબ તેમજ સમગ્ર અભ્યાસક્રમમાંથી મહત્ત્વના ગણાતા અંદાજે 500થી 1 હજાર પ્રશ્નો ધરાવતી ડિજિટલ પ્રશ્નબેંક અમદાવાદ શહેર DEO કચેરી દ્વારા તૈયાર કરવામાં આવી છે. ધો.10 અને 12ના મળી 15 વિષયની આ 15 પ્રશ્નબેંક ડિજિટલ સ્વરૂપની હોવાથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યનો કોઈપણ વિદ્યાર્થી નિઃશુલ્ક મેળવી શકશે. DEO કચેરી દ્વારા અમદાવાદના વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી તૈયાર કરાયેલી આ પ્રશ્નબેંકના કારણે ખાનગી પ્રકાશનો દ્વારા ચલાવાતી લૂંટનો પણ અંત આવશે.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી આર.એમ. ચૌધરી તથા સમગ્ર DEO કચેરીની ટીમ દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને પ્રશ્નબેંક તેમજ પ્રશ્નપત્રના પરિરૂપ તૈયાર કરાયાં છે, જેનું આજે લોન્ચિંગ કરાયું હતું. ધોરણ-10 તથા ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેંક તૈયાર કરાઈ છે. વિદ્યાર્થીઓ ક્યુઆર કોડ સ્કેન કરીને પ્રશ્ન બેંકના વિષયોમાંથી પોતાના વિષયોના પ્રશ્નો મેળવી તેના આધારે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકશે. ધોરણ-10ના મુખ્ય પાંચ વિષયોની પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 4 વિષયો અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 6 વિષયોની પ્રશ્નબેંક બનાવવામાં આવી છે. આ પ્રશ્નબેંકમાં એક વિષયમાં અંદાજે 1 હજાર જેટલા પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડના પરીક્ષા માળખામાં ફેરફાર કરાયો હોવાથી અત્યાર સુધીના જૂના પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓ મહાવરા તરીકે ઉપયોગ કરી શકે એમ નથી. અભ્યાસક્રમમાં પણ ફેરફાર થયો હોવાથી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને તૈયાર માટે સરળતા ઊભી થાય એ માટે પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે. આ પ્રશ્નબેંકમાં મોટાભાગનો તમામ અભ્યાસક્રમ સમાવેશ થાય એ રીતે તૈયાર કરાઈ છે.


